શાપર-વેરાવળમાં સરકારી જમીન ઉપર દબાણ કરનારાઓને ડિમોલિશનની નોટિસ
15 દિવસમાં જાતે મકાનો-ઝૂંપડા હટાવી લેવા મામલતદારની મહેતલ
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ખાતે સરકારી ખરાબ અને જાહેર ઉપયોગની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો મામલે કોટડા સાંગાણી તાલુકા મામલતદાર દ્વારા આકરાં પગલાં લેવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી શાપર-વેરાવળ વિસ્તારમાં આવેલ પશાંતિધામથ સોસાયટી નજીકની સરકારી જમીન પર આશરે 14 જેટલા પરિવારો દ્વારા રહેણાંક મકાનો અને ઝૂંપડાઓ બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું.
મામલતદાર કચેરી દ્વારા આ દબાણકર્તાઓને અગાઉ પણ ત્રણ જેટલી નોટિસો આપવામાં આવી હતી, તેમ છતાં જમીન ખાલી કરવામાં ન આવતાં તંત્રએ હવે અંતિમ કાર્યવાહી હાથ ધરી છે.
કોટડા સાંગાણી તાલુકા મામલતદાર દ્વારા આ 14 જેટલા દબાણકર્તા પરિવારોને આખરી નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે, આગામી 15 દિવસની અંદર આ સરકારી જમીન પરના રહેઠાણ મકાનો અને ઝૂંપડાઓ સ્વૈચ્છિક રીતે ખાલી કરી દેવામાં આવે.
જો આ સમયમર્યાદામાં દબાણ દૂર કરવામાં નહીં આવે, તો તંત્ર દ્વારા કડક વલણ અપનાવીને ડિમોલેશનની (તોડી પાડવાની) કામગીરી હાથ ધરવામાં આવશે. આ અંગે તંત્રએ ડિમોલેશન માટેની તમામ જરૂૂરી તજવીજ શરૂૂ કરી દીધી છે. સરકારી જમીન ખુલ્લી કરાવવાની આ કાર્યવાહીને કારણે શાપર-વેરાવળ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.