સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે સતત ચોથા દિવસે પણ ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત શનિવારે સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે 12 મીટર રસ્તો પહોળો કરવા માટેની ડી.પી. કપાતની કામગીરી પ્રારંભિક વિરોધ અને ઘર્ષણ બાદ મક્કમતા પૂર્વક અવિરત ચાલુ રખાઈ છે, અને આજે સતત ચોથા દિવસે પણ ડિમોલેશન કાર્ય ચાલુ રાખ્યું છે. જેના માટે આજે એકી સાથે છ ટિમોને દોડતી કરાવાઈ છે, અને વિના વિઘ્નએ ડી.પી. કપાત ની કામગીરી ધીમે ધીમે પૂર્ણતા તરફ આગળ ધપી રહી છે.
છેલ્લા 3 દિવસમાં 180 આસામીઓની 265 મિલકતો ની પાડતોડ ની પ્રક્રિયા પૂર્ણ કરી લેવાયા બાદ આજે સતત ચોથા દિવસે પણ બાકી વધેલી મિલકતો પર મનપાનો હથોડો વિઝવામાં આવ્યો છે, અને ડીમોલેશન કાર્ય વિના વિરોધ થી ચાલુ રખાયું છે.
જામનગરના સ્વામિનારાયણ નગર થી નવાગામ ઘેડ સુધી 3.5 કી.મી નો વિસ્તાર કે જેમાં 331 મિલકત ધારકો ને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આખરી નોટિસ પાઠવવામાં આવી હતી, અને તેના ભાગરૂૂપે મેગા ડીમોલેસન હાથ ધરવામાં આવ્યું હતું. અને 3 દિવસના અંતે 265 મિલકતો માં માર્કિંગ કરાયેલી જગ્યા સુધી નું ડીમોલેશન કરી લેવામાં આવ્યું હતું,
ત્યારબાદ આજે ચોથા દિવસે મંગળવારે પણ અવિરત ડિમોલેસન ની પ્રક્રિયાઓ કોઈ પણ પ્રકારના વિરોધ વિના અને ભારે પોલીસ બંદોબસ્ત ની સાથે હાથ ધરવામાં આવી છે. જેમાં પણ તમામ મશીનરી કામે લગાડવામાં આવી છે, અને મનપાના 100 થી વધુ નો સ્ટાફ જોડાયેલો છે, જેની અલગ અલગ 6 ટીમો બનાવાઇ છે, અને તમામ ટિમોને અલગ અલગ મિલકતો ની કપાતની કામગીરીની સોંપણી કરી દેવામાં આવી છે. ગઈકાલે સાંજે ડિમોલેશન કાર્ય પૂર્ણ થયા બાદ મનપાની કચેરીમાં અધિકારીઓની ત્વરિત બેઠક મળી હતી જેમાં બીજા દિવસના સમગ્ર ડિમોલેશનનો એક્શન પ્લાન ઘડી લેવાયો હતો, અને અલગ અલગ ટુકડીને જવાબદારી સોંપી દેવામાં આવી હતી, જેના અનુસંધાને વહેલી સવારથી સાંજ સુધીમાં મોટાભાગનું સોપાયેલું કાર્ય આટોપી લેવાય તે પ્રકારે ની કાર્યવાહી ચાલી રહી છે. સાથે સાથે સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી. પી. ઝા ના માર્ગદર્શન હેઠળ 50 થી વધુ મહિલા સહિતના પોલીસ કર્મચારીઓ ફરજમાં ગોઠવાયેલા છે, અને એકંદરે શાંતિ પૂર્ણ રીતે ડિમોલેશન કાર્ય ચાલી રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓ પણ હવે સ્વયંભુ મદદમાં લાગી ગયા છે.