નિકાસકારોને પ્રોત્સાહન અપાતી વ્યાજ સહાયની સ્કિમ ફરી શરૂ કરવા માગણી
કેન્દ્ર સરકાર દ્વારા MSME ઉત્પાદક નિકાસકારો માટે નિકાસના પ્રિ અને પોસ્ટ શિપમેન્ટ પર Interest Equalization Scheme જાહેર કરવામાં આવેલ. જે અંતર્ગત નિકાસકારો દ્વારા કરવામાં આવેલ પ્રી અને પોસ્ટ શીપમેન્ટ નિકાસ માટે લેવાયેલ લોન અંતર્ગત વ્યાજ સહાય ચુકવવામાં આવે છે. આ સ્કિમ તા. 31-12-2024 ના રોજ પુરી થઈ ગયેલ છે. ત્યારબાદ આ સ્કીમની સમય મર્યાદા વધારવામાં આવેલ નથી અને તા.01-01-2025 થી આ સ્કિમ સ્થગીત થઈ ગયેલ છે. જેના કારણે નિકાસકારોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે.
ખાસ કરીને હાલ વિશ્વસ્તરે ચાલી રહેલ યુધ્ધની પરિસ્થીતીના કારણે જો વૈશ્વીક તંગદીલીમાં કોઈ વધારો થશે તો નિકાસકારોને હવાઈમાર્ગે તથા સમુદ્રમાર્ગે નિકાસ કરવા માટે અત્યંત ઉચ્ચા ફેટ રેટ ચુકવવા પડશે જેની સિધી અને અત્યંત ખરાબ અસર સમગ્ર નિકાસ સમુદાયને ભોગવવી પડશે. આથી નિકાસને વધુ વેગ મળે તે માટે ઈંInterest Equalization Scheme ને તાત્કાલીક પાછલી અસરથી એટલે કે તા.01-01-2025 થી અમલીકૃત કરવી તેમજ તે અંતર્ગત મળવાપાત્ર વ્યાજ સહાયની વર્તમાન મર્યાદા જે 3% છે તેને વધારી 6% કરી આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલજીને રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.