એટલાન્ટિસ બિલ્ડિંગના પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્ય સામે મનુષ્ય વધનો ગુનો નોંધવા માંગ
શહેરનાં દોઢસો ફુટ રોડ પર એટલાન્ટિસ બિલ્ડીંગમા ધુળેટીનાં દિવસે લાગેલી આગમા બેરોજગાર (સરકારી નોકરી વિહોણા) ગરીબ યુવાનો આગમા હોમાયા હોય આ ઘટનામા જવાબદાર બિલ્ડીંગ એસો. નાં પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યો સામે મનુષ્ય વધનો ગુનો નોંધવા તેમજ મનપાનાં જવાબદાર અધીકારીઓ સામે બેદરકારી બદલ ગુનો નોંધવા યુવા ભીમ સેના દ્વારા પોલીસ કમિશનરને રજુઆત કરવામા આવી છે. આ મામલે બે બે નોટીસ આપનાર અધીકારી દ્વારા કોઇ કાર્યવાહી કરવામા ન આવી હોવાનો આક્ષેપ કરી જવાબદાર સામે પગલા લેવા માગ કરવામા આવી છે. યુવા ભીમ સેનાનાં ડી. ડી. સોલંકી સહીતનાં સભ્યોએ પોલીસ કમિશનરને તેમજ મનપાનાં કમિશનરને રજુઆત કરી આ ઘટનામા જવાબદારો સામે તાત્કાલીક કાર્યવાહી કરવા રજુઆત કરી હતી. તેમજ એક મોટા રાજકીય આગેવાન દ્વારા ભીનુ સંકેલવાનો પ્રયાસ કરવામા આવી રહયાનો આક્ષેપ કરવામા આવ્યો હતો. 3 યુવાનોનાં મોત માટે જવાબદાર બિલ્ડીંગનાં પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યો સામે ગુનો નોંધવા માગ કરાઇ હતી.