કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારના કર્મચારીઓને 3 ટકા DA આપવા માંગ
કેન્દ્ર સરકારે કેન્દ્રના કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરતાં હવે કર્મચારીઓને 58 ટકા ભથ્થુ મળશે. આ વધારે પહેલી જુલાઈથી લાગુ થશે. ત્યારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કેન્દ્રના ધોરણે કર્મચારીઓને ડીએ આપવા માગ કરવામાં આવી છે. શિક્ષક સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માગ કરી છે.
ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા બજારમાં વધતી મોંઘવારી સામે કર્મચારીઓના હિતાર્થે સમયાન્તરે મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવતું હોય છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રના કર્મચારીઓનું 3% મોંઘવારી ભથ્થું વધારી પ5%ના બદલે 58% મોંધવારી ભથ્થું તા.1લી જુલાઈની અસરથી આપવા જાહેર કરાયું છે.
ગુજરાત સરકાર દ્વારા પણ આગામી સમયમાં દિવાળીના તહેવારોને ધ્યાને લઈ રાજયના કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું વધારી એરીયર્સ સહિતના લાભો આપવા જાહેરાત કરવામાં આવે તેવી અમારી રજૂઆત છે.સરકારને લખેલા પત્ર બાદ કર્મચારીઓના ડીએ મામલે કોઈ પગલાં લેવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.