રાજકોટ ઝોનને ગુજરાત શિક્ષણ બોર્ડની અલગ પેટા વિભાગીય કચેરી આપવા માંગ
ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની કામગીરીનો વિસ્તાર સતત વધી રહ્યો છે અને કર્મચારીઓની જગ્યાઓ ખાલી હોય કામગીરીમાં ભારે સમસ્યા થતી હોય ત્યારે કામગીરીને હળવી કરવા માટે રાજકોટ અને વડોદરામાં પેટા કચેરીઓ ઉભી કરવી જોઇએ. ઉપરાંત શિક્ષણ વિભાગમાં લોન સવિર્ર્સથી થતી ભરતી બંધ કરી અને કાયમી અધિકારીઓની ભરતી કરવી જોઇએ.
રાજય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે અગાઉ બોર્ડમાં વર્ગ-3 અને વર્ગ-4ની 72 જગ્યાઓ ભરવા માટે આદેશ કરવામાં આવ્યા હતા. પરંતુ આજે પણ આ 72 જગ્યા ભરવામાં આવી નથી અને તેની સામે શિક્ષણ સેવા વર્ગ-1 અને વર્ગ-2ના કર્મચારીઓને લોન સર્વિસથી બોર્ડમાં મુકવામાં આવેલ છે.
હાલ બોર્ડમાં માત્ર 7થી વધારે કર્મચારી છે જયારે બાકીના તમામ રોજમદાર અથવા લોન સર્વિસથી આવેલા કર્મચારીઓ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ફિ બાબતે અનેક વખત ફરીયાદો થતા શિક્ષણ વિભાગ દ્વારા ફિ નિયમન માટે ચાર ઝોન બનાવવામાં આવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્ર ઝોનનો સમાવેશ થતો હતો અને તેની વડી કચેરી રાજકોટ ખાતે ફાળવવામાં આવી હતી. જેનાથી ફિ નિયમનની કામગીરી સફળ થઇ હતી.
રાજકોટ સૌરાષ્ટ્રનું સેન્ટર છે અને મોટા ભાગના સૌરાષ્ટ્રમાંથી વિદ્યાર્થીઓ રાજકોટ ખાતે અભ્યાસ માટે આવતા હોય છે.ગુજરાત શિક્ષણ બોર્ડની કામગીરીને હળવી અને સરળ બનાવવા માટે રાજકોટ ખાતે એક પેટા વિભાગીય કચેરી ફાળવવામાં આવે તો સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે કામગીરી સરળ થશે અને ગાંધીનગરના ધક્ા પણ મટી જશે.