સૌ.યુનિ.માં 2019-20માં નાપાસ થયેલા હજારો વિદ્યાર્થીઓને એક તક આપવા માંગ
હાલમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2011 થી 2018 દરમિયાન કોઈ કારણોસર સ્નાતક કે અનુસ્નાતકની પરીક્ષા પાસ ન કરી શકનારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું, જે એક પ્રશંસનીય અને વિદ્યાર્થીલક્ષી નિર્ણય છે. આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા મળી છે.
આ જ સકારાત્મક અભિગમને આગળ વધારી, વર્ષ 2019 થી 2020 દરમિયાન જે વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષા કે અનુસ્નાતક કક્ષામાં ફક્ત એક કે બે વિષયમાં નાપાસ થયા હોય અને તેમનો અભ્યાસ અધૂરો રહ્યો હોય, તેમને પણ પરીક્ષા પાસ કરવાની એક વિશેષ તક આપવી ખૂબ જરૂૂરી છે. કોરોના મહામારી અને અન્ય આર્થિક-સામાજિક પરિસ્થિતિઓને કારણે અનેક વિદ્યાર્થીઓ પર અસર પડી છે. માત્ર એક કે બે વિષયમાં નાપાસ થવાથી આ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જાય છે અથવા નોકરી-ધંધામાં મુશ્કેલી અનુભવે છે. વિશેષ પરીક્ષાનું આયોજન થવાથી આ તમામ વિદ્યાર્થીઓ તેમની સ્નાતકની પદવી પૂર્ણ કરી શકશે અને તેમના ઉજ્જવળ ભવિષ્યના માર્ગો ખુલશે. યુનિવર્સિટીનો આ નિર્ણય હજારો યુવાનો માટે નવજીવન સમાન સાબિત થશે.
અમારી વિનંતી છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવી, વર્ષ 2019 થી 2020 દરમિયાનના એક કે બે વિષયમાં નાપાસ થયેલા સ્નાતક વિદ્યાર્થીઓ માટે વહેલી તકે વિશેષ પરીક્ષાનું આયોજન કરી તક આપવામાં આવે તેવી અમારી માગણી છે. આશા છે કે, વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ બાબતે યોગ્ય અને સકારાત્મક નિર્ણય લેશો. તેવી રજુઆત એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવી કરવામાં આવી હતી.
