જમીન માપણી-સર્વેની કામગીરી જણસી ખેતરમાં ઉભી છે ત્યાં સુધીમાં જ કરવા માંગ
રાજ્યમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા ટેકાના ભાવે ખેત પેદાશોના રજીસ્ટ્રેશન તેમજ સેટેલાઈટ ક્રોપ સરવે ઇમેજ અને જમીન માપણી અંગે ગુજરાત કિસાન કોંગ્રેસના અગ્રણી અને ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા દ્વારા પત્ર પાઠવીને કેટલાક વેધક સવાલો કરવામાં આવ્યા છે.આ પત્રમાં જણાવાયું છે કે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે થતી ખરીદીમાં ખેડૂતોના નામે વેપારીઓ દ્વારા ખેત જણસ વેચવાના કૌભાંડને રોકવા માટે ક્રોપ સર્વે સેટેલાઈટ ઇમેજ સીસ્ટમ લાગુ કરવામાં આવી છે. અત્યારે જમીન માપણીની ભૂલો ના કારણે એક વ્યક્તિનું ખેતર બીજા વ્યક્તિના નામે બોલતું હોય, સરકાર ગાંધીનગરથી ક્રોપ સર્વે સેટેલાઇટ ઇમેજ સીસ્ટમથી ઇમેજ એક વ્યક્તિના ખેતરની લે અને ખરેખર આ ખેતર બીજા વ્યક્તિના નામે બોલતું હોય બીજી વ્યક્તિએ મગફળી વાવેલી જ ન હોય તો કારણ વગર એક વ્યક્તિની મગફળી વાવેલી હોવા છતાં જમીન માપણીની ભૂલનો ભોગ બને છે.
રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણા, રાયડો અને તુવેરના ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ કુલ 87,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ્દ કર્યા હતા. જેમાં તુવેર માટે 17,000, ચણા માટે 52,000 અને રાયડો માટે 18,000 ખેડૂતોના થયેલા રજિસ્ટ્રેશન રદ્દ કર્યા હતા. સરકારે જ્યારે ક્રોપ સર્વે સેટેલાઇટ ઇમેજ ચણા, તુવેર, રાયડો ખેડૂતોના ખેતરમાંથી ઉપાડી લીધા પછી ઇમેજ જાહેર હતી. હાલ ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદનું રજીસ્ટ્રેશન ચાલે છે. 15 સપ્ટેમ્બર સુધીમાં આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પુરી થઈ ગયા બાદ સરકાર જે મુદત વધારો કરે તે મુદત વધારો પૂરો થયા બાદ તરત જ સરકારે ક્રોપ સર્વે સેટેલાઇટ ઇમેજ દ્વારા ઇમેજ લઈ લેવી જોઈએ અને રજિસ્ટ્રેશન થયેલા દરેક ખેડૂતોના ખેતરમાં સરકારના પ્રતિનિધિ એવા તલાટી મંત્રી કે ગ્રામ સેવકને મોકલી તરત જ ક્રોસ ચેકીંગ કરાવી લેવું જોઈએ.
જેથી જે ખેડૂતોમાં સરકારને શંકા હોય તેનું સમાધાન થઈ જાય. ખેડૂતો મગફળીનો ઉભેલો પાક બતાવી શકે. મગફળી, સોયાબીન, મગ, અડદ ઉપાડી લીધા પછી સરકાર ક્રોસ ચેક કરવા મોકલે તો ખેડૂતો પાસે કોઈ આધાર રહેશે નહીં. માટે ખેડૂતોના ખેતરમાં પાક ઉભો છે, ત્યાં સુધીમાં ક્રોસ ચેકીંગ કરી લેવામાં આવે કે ખેડૂતોએ વાવેલો પાક, કરાવેલ રજિસ્ટ્રેશન, તલાટીએ આપેલો વાવેતરનો દાખલો અને સેટેલાઇટ ક્રોપ ઇમેજ બધું જ મેચ થાય છે કે નહીં તે ખેતર પર જઈને ચેક કરી લેવામાં આવે.ખેડૂતોએ ખેત જણસ ઉપાડી લીધા બાદ ખેડૂતોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં ન આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા દ્વારા માંગણી કરવામાં આવી છે.