ખ્યાતિ હોસ્પિ.માં સુપ્રીમ કોર્ટના વડપણ હેઠળ તપાસની માંગ
હાઈકોર્ટમાં કોર્ટ મિત્ર દ્વારા રજૂઆત, જે.પી.સી. દ્વારા પણ તપાસની માગણી કરાઈ, ખ્યાતિ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ન હોવાનો ઘટસ્ફોટ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ પકાંડથ ની ગૂંજ આજે ગુજરાત હાઈકોર્ટમાં પણ ગૂંજી હતી. વિરમગામ અંધાપાકાંડ અંગે કોર્ટે લીધેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન કોર્ટ મિત્રે ખ્યાતિ ‘કાંડ’ તરફ ધ્યાન દોર્યું હતું. કોર્ટ મિત્રે કહ્યું કે, ખ્યાતિ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન પણ નહોતુ. જવાબદાર વ્યક્તિઓ સામે જ પગલાં લેવાઈ રહ્યા છે, ત્યારે હોસ્પિટલ સામે પણ કાર્યવાહી થાય તે જરૂૂરી છે. બીજી તરફ હાઈકોર્ટે ટકોર કરી હતી અને નિયમભંગ પ્રમાણેની કાર્યવાહી થશે જ તેમ જણાવ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટમાં વિરમગામ અંધાપાકાંડ અંગે થયેલ સુઓમોટો અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટ મિત્રે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ‘કાંડ’ અંગે ધ્યાન દોર્યું હતું. કોર્ટ મિત્રે કહ્યું કે, ખ્યાતિ મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલનું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન પણ કરાયું નહોતું. કોર્ટ મિત્રે આગળ કહ્યું કે, જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવાઈ રહ્યા છે પરંતુ, હોસ્પિટલ સામે કાર્યવાહી પણ જરૂૂરી છે. કોર્ટમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ આવી બેદરકારી માટે યોગ્ય જોગવાઈ કરવા માટેની રજૂઆત કરાઈ હતી.
કોર્ટ મિત્રે આગળ કહ્યું કે, ન્યાય ન મળે ત્યાં સુધી અમારી તપાસ ચાલુ જ રહેશે. જેપીસી થકી તપાસ થાય તે અમારી માગ રહેશે. સાથે જ સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસના વડપણ હેઠળ તપાસ થાય તેવી પણ માગ છે. બીજી તરફ હાઈકોર્ટે જણાવ્યું કે, આ બનાવ બાદ પ્રશાસન અને પોલીસ તરફથી કામગીરી થઈ રહી છે. કોર્ટે કહ્યું કે, કેવો કાયદો બનાવવો અને કાયદામાં કેવો સુધાર લાવવો એ સરકારનું કામ છે. એડવોકેટ જનરલે કોર્ટને ખાતરી આપી છે કે યોગ્ય કાર્યવાહી થઈ રહી છે. જે પ્રમાણે નિયમ કે કાયદાનો ભંગ થયો હશે તે પ્રમાણેના પગલાં લેવાશે. કોર્ટે ટકોર કરતા કહ્યું કે, નિયમભંગ પ્રમાણેની કાર્યવાહી થશે.
આરોગ્ય વિભાગ સુધી રેલો, અધિકારીઓની થશે પૂછપરછ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો દ્વારા પીએનજય યોજના હેઠળ આચરાયેલ કૌભાંડનો રેલો અંતે આરોગ્ય વિભાગ સુધી પહોંચ્યો છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા આગામી દિવસોમા પીએમ જય યોજનાના અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવનાર છે. જેમાં સર્જરી માટે ડોક્યુમેન્ટ સબમીટ બાદ 5 મીનીટમાં જ એપ્રુવલ મળી જતી હતી. ત્યારે આ નિવેદનને લઇ ક્રાઈમબ્રાંચ દ્વારા આગામી દિવસોમાં પીએમજયના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવનાર છે. જેમાં કઈ રીતે તાત્કાલિક મંજૂરી મળતી તેની તપાસ કરવામાં આવશે.