વીજ દરોડા પાડવા જતી ટુકડીઓને પોલીસ બંદોબસ્ત આપવા માંગ
પીજીવીસીએલ વિજીલન્સ કામગીરી જેવી કે વીજ ચેકિંગ, ડીસ કનેકશનસ, ક્રોરા ચેકિંગ સહિતની કામગીરી માટે જતી ટીમને પોલીસ પ્રોટેકશન નહી આપતા સંવેદનશિલ અને માથાભારે ગામોમાં ગ્રાહકો સાથે ઘર્ષણ થતુ હોવાની અનેક બનાવ બન્યા છે. ત્યારે વિજીલનસ કામગીરીમાં જતી ટુકડીઓને પોલીસ બંદોબસ્ત આપવા માટે જીઇબી એન્જિનિયર એસોસીએશન દ્વારા પીજીવીસીએલના અધિક્ષક અજનેરને રજૂઆત કરાઇ છે.
દરેક વર્તુળ કચેરી / વિભાગીય કચેરીના અધિકારીઓ સંબંધિત પેટા વિભાગીય કચેરીમાં આવતા માથાભારે અને સંવેદનશીલ ગામો થી સંપૂર્ણ પણે વાકેફ હોય છે તેમજ આવા ગામોમાં ગ્રાહકો સાથે સંઘર્ષ થવાનો હમેશા ભય હોય છે. તેમ છતાં પણ આજદિન સુધી આ બાબતે ગંભીરતા લેવામાં આવતી નથી અને ઇજનેરો / કર્મચારીઓ ઉપર હુમલા થવાના કે ગ્રાહકો દ્વારા વ્યક્તિગત દુશ્મનાવટ રાખી માર મારવો, ધમકી આપવી જેવી ઘટનાઓ અવારનવાર બને છે. જેમાં ખાસ કરીને ઈજનેરોને શારીરિક તથા માનસિક યાતનાનો ભોગ બનવું પડે છે. કંપનીમાં વારંવાર બનતી આવી ઘટનાથી ઈજનેરો માં હતાશા પ્રસરે છે તથા તેની અસર કંપનીની કામગીરી ઉપર પડવાને કારણે પેટા વિભાગના પરફોર્મન્સ ઉપર પણ પડે છે. પેટા વિભાગના નબળા પરફોર્મન્સ માટે પણ ઈજનેરોને જવાબદાર ગણવામાં આવે છે, આથી ઈજનેરો સતત ભય અને માનસિક ત્રાસમાં રહેવાથી જુદી જુદી બીમારીનો ભોગ બને છે.
તાજેતરમાં પોરબંદર વર્તુળ કચેરીમાં આવતા બાંટવા પેટા વિભાગના જુનિયર ઈજનેર દ્વારા ગોસા ગામે કોસ વેરીફીકેશનની કામગીરી કરવા જતા ગામના સરપંચ સહીતના ઇસમો દ્વારા પાઈપ વડે હુમલો કરવામાં આવેલ તથા જુનિયર ઈજનેર એસ.પી.પરમારને ગંભીર ઈજા પહોચવાની ઘટના બનવા પામેલ છે, જે અંગે આપ પણ સુવિદિત છો. પોરબંદરના બનાવમાં ગોસા જેવા સંવેદનશીલ ગામમાં પણ પોલીસ પ્રોટેક્શન વગર કામગીરી કરવાની ફરજ પડેલ હતી, જેના કારણે આ બનાવ બનેલ છે.
હવે પછી ચેકિંગ, ડીસકનેક્શન, ક્રોસ ચેકિંગ કે અન્ય વિજીલન્સ કામગીરી માટે ફરજીયાત પોલીસ પ્રોટેક્શન આપવા જરૂરી વ્યવસ્થા કરવા જણાવવું અને માથાભારે / સંવેદનશીલ ગામોમાં તમામ કામગીરી માટે પોલીસ પ્રોટેક્શનની જરૂૂરી વ્યવસ્થા કરવી અન્યથા આવા કોઈ અનિચ્છનીય બનાવની સંપૂર્ણ જવાબદારી મેનેજમેન્ટની રહેશે તેમજ હવે પછી આ પ્રકારની કોઈપણ કામગીરી માટે ઈજનેરો પૂરતા પ્રમાણમાં પોલીસ પ્રોટેક્શનની વ્યવસ્થા વગર આવી કામગીરી કરવા જશે તેવી ચીમકી રજૂઆતમાં ઉચ્ચારી છે.