જામકંડોરણાના શહીદ અગ્નિવીરના પરિવાર દ્વારા આર્થિક સહાયની માગણી
તાજેતરમાં નાસિક ખાતે અગ્નિવીરની તાલિમ દરમિયાન ગોળો ફાટતા શહીદ થયેલ જામકંડોરણા તાલુકાના આચવડ ગામના શહીદ અગ્નિવીરના પરિવારે શહીદ જવાનોને અપાતા ધોરણો મુજબ સહાય આપવા માંગણી કરી છે.
રાજકોટ જિલ્લાના જામકંડોણા પાસે આચવડ ગામનો અગ્નિવીર યુવક શહીદ થઈ ગયો હતો. જેના પાર્થિવ દેહને રાજપૂત સમાજના દર્શન અર્થે રખાયા બાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી. હવે શહીદ અગ્નિવીર જવાનના પરિવારજનોએ યોગ્ય આર્થિક સહાયની માંગણી કરી છે.
હકીકતમાં જામકંડોરણાના આચવડ ગામમાં રહેતા મહિપતસિંહ ગોહિલનો પુત્ર વિશ્વજીતસિંહ ગોહિલ મહારાષ્ટ્રના નાસિક આર્ટિલરી સેન્ટરમાં ફાયરિંગની તાલીમ લઈ રહ્યા હતા. આ દરમિયાન તોપમાંથી છૂટેલો ગોળો ફાટતા વિશ્વજીતસિંહનું મોત થયું હતુ.
શહીદ વિશ્વજીતસિંહ ગોહિલના ઘરમાં પ્લાસ્ટર પણ નથી અને ઉપર સિમેંટના પતરા છે. જેને લઇ તેમના પરિવારોમાં આભ ફાટ્યું છે. જે યુવાન અગ્નિવીર શહીદ થયો તેના પર આખા ઘરની જવાબદારી હતી. જેનો નાનો ભાઈ અભ્યાસ કરે છે, જ્યારે પિતા નાની એવી ખેતી કરે છે.
આ અંગે શહીદના પિતા મહિપતસિંહે જણાવ્યું કે, અત્યારે મારા દીકરાને સરકાર દ્વારા 1.60 લાખ રૂૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.હવે મારા દીકરાને યોગ્ય ન્યાય મળે. તેમજ આર્મીના શહીદ જવાનને જે નિયમ મુજબ ફંડ આપવામાં આવે, તેજ પ્રમાણે મારા દીકરાને પણ ફંડ આપવામાં આવે.