ગ્રાન્ટેડ શાળાઓને મળતી આર્થિક સહાયની દરખાસ્તમાં તારીખ લંબાવવા માગણી કરાઈ
મિશન સ્કૂલ ઑફ એક્સલન્સ અંતર્ગત રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધા માટે આર્થિક સહાય માટે જરૂૂરી વિગતો મોકલવાની મુદ્દતમાં વધારો કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે. શૈક્ષિક સંઘે આ મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે અને મુદ્દતમાં 45 દિવસનો વધારો કરવા જણાવાયું છે.
આ વખતે સ્કૂલોને દરખાસ્ત કરવા માંડ 10 દિવસનો સમય મળ્યો હતો અને તેમાં 34 જેટલી વિગતો એકત્ર કરી રજૂ કરવાની હોવાથી અનેક સ્કૂલોને મુશ્કેલી આવી રહી હોવાથી મુદ્દતમાં વધારો કરવા માગ કરાઈ છે.
મિશન સ્કૂલ ઑફ એક્સલન્સ 2.0 અંતર્ગત રાજ્યની અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધા માટે આર્થિક સહાય આપવા બાબતે સૂચના આપવામાં આવી છે. રાજ્યભરના અનેક જિલ્લાઓમાંથી મળતી વિગતો મુજબ ઘણી શાળાઓમાં જરૂૂરી આંકડાકીય માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા હજી પૂર્ણ થઈ શકી નથી. વિશેષ કરીને અંતરીયાળ અને દૂરવર્તી વિસ્તારોની શાળાઓમાં જરૂૂરી દસ્તાવેજો અને માહિતી એકત્ર કરવામાં તકલીફો આવી રહી છે.
પરિણામે, નક્કી કરેલી તારીખે તમામ શાળાઓ જરૂૂરી વિગતો મોકલી શકાય તેમ લાગતું નથી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આ મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જેમાં રાજ્યભરની તમામ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને દસ્તાવેજ પૂર્ણ કરવા પૂરતો સમય મળે તે માટે અંતિમ તારીખથી ઓછામાં ઓછા 45 દિવસ જેટલો સમય લંબાવી આપવામાં આવે તેવી ભલામણ કરાઈ છે.