જામનગરમાં વેકેશનમાં શાળા ચાલુ રાખનાર સંચાલકો સામે કાર્યવાહીની માંગ
જામનગર શહેરમાં અમુક ખાનગી શાળાના સંચાલકોએ સ્કુલો ચાલુ રાખી સરકારી નિયમોનો ભંગ કરતા એબીવીપી દ્વારા શિક્ષણાધિકારી કચેરી ખાતે ધરણા યોજીને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને નિયમો મુજબ શાળાઓ બંધ કરવામાં નહી આવે, તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
જામનગર શહેરમાં 21 દિવસના દિવાળી વેકેશનમાં કેટલીક ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા વેકેશનના સમયગાળા દરમ્યાન નિયમનો ભંગ કરીને શાળાઓ ચાલુ કરી દેવામાં આવી હોવાનું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને ધ્યાનમાં આવ્યું હતું. ખાનગી શાળાના સંચાલકો જાહેર રજાઓમાં શાળાઓ ચાલુ રાખવામાં આવી છે.
આ ખાનગી શાળાઓનો સંચાલકો નિયમનો ભંગ કરતા જણાઈ આવે છે. જેથી એબીવીપીના નગર મંત્રી ઉત્સવ પંડયાની આગેવાનીમાં વિધાર્થીઓને સાથે રાખીને શિક્ષણાધિકારી કચેરી ખાતે ધરણા યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જેમાં વેકેશનના સમયગાળા દરમિયાન ચાલતી આ શાળાઓ ત્વરિત ધોરણે સરકારના નિયમો મુજબ બંધ કરવામાં આવે. જો આગામી 24 કલાકમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવશે, અને તેની સંપુર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
