છૂટા કરાયેલા મનપાના તબીબનો બચાવ: હું નિર્દોષ છું
સ્ટાફની મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યાના આક્ષેપો પણ ખોટા, આરોગ્ય વિભાગે છૂટા કરેલા ડો. રાજેશ માકડિયાએ ગુજરાત મિરરને હકીકત જણાવી
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં 11 મહિનાના કરાર આધારિત હોમિયોપેથીક ડો. રાજેશભાઈ માકડિયાને સ્ટાફના કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન કરતા હોવાના આરોપ મુકી નોકરી ઉપરથી છુટા કરી દેવાતા તેઓએ આજે પોતે નિર્દોષ છે તેમ જણાવી ગુજરાત મિરરને આરોગ્ય વિભાગ અને ઉચ્ચઅધિકારીઓ અંગેની સંપૂર્ણ વિગત જણાવી હતી.
ગુજરાત મિરર ખાતે આરોગ્ય અધિકારી ડો. રાજેશ માકડિયાએ પોતે નિર્દોષ હોવાનું કહી જણાવેલ કે, ડો. રાજેશ માકડિયા છેલ્લા 13-12-2011 એટલે કે 14 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં આરોગ્ય શાખામાં કરારથી નેશનલ હેલ્થ મિશન નોકરી કરુ છું મને મારા આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી દ્વારા કોઈપણ પ્રકારની નોટીસ આપ્યા વગર 2.5 માર્ક દ્વારા એપ્રેઝલ ફોર્મમાં ભરીને છૂટો કરી દીધેલ છે. મે આ બાબત લેબર કમિશનર સાહેબ પાસે લેબર કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ છે. હું દિનદયાળ ઔષધાલયના 60 ડોક્ટર્સની કામગીરી છેલ્લા 3 વર્ષથી સાંભળું છું અને સેન્ટ્રલ એન કચેરી ખાતે આરોગ્ય શાખામાં આરોગ્ય અધિકારીની ચેમ્બરની બાજુમાં ચેમ્બર બેસતો હતો ત્યાં સીસીટીવી કેમેરા પણ લગાવેલ છે. મારી પર ખોટા આક્ષેપો કરીને મને બદનામ કરવા ન્યુઝપેપરમાં મારા વિરુદ્ધ ખોટી પ્રેસનોટ આપેલ છે.
મારા સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી દ્વારા મને ખોટી રીતે નોટીસ આપવામાં આવેલ જેનો ખુલ્લાસો મે કમિશનર સાહેબને લખી મોકલેલ ત્યારથી આરોગ્ય અધિકારી મને કાઢવા માટે ખોટી વાતો ફેલાવે છે મને આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી દ્વારા કોઈ પણ પ્રકારની નોટીસ આપવામાં આવેલ નથી.
જો હું કોઈને ડોક્ટરને હેરાન કરતો હોય તો મારી પાસે 60 દિનદયાળ ડોક્ટર્સની કામગીરી લઈ લેવી જોઈતી હતી પણ એવુ નથી કરેલ કેમ કે મે કોઈ સાથે ખરાબ વર્તન કરેલ નથી. પહેલા ચેકીંગની કામગીરી ડો. રાઠોડ સાહેબ તથા પંચાલ સાહેબ સંભાળતા હાલમાં આ કામગીરી આરોગ્ય અધિકારી સાંભળે છે. હાલમાં રૈયા રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, યાજ્ઞિક રોડ, ત્રિકોણબાગ જેવા સારા વિસ્તારમાં ક્યાંય પણ ફૂડશાખાના ચેકીંગ થતા નથી આરોગ્ય અધિકારી ત્રણ વર્ષથી આવ્યા છે તેનું ડાયાબીટીસ 500 થઈ ગયું છે તેને બે નવી ગાડીઓ લીધી છે એક 10 લાખની અને એક 25 લાખની જેમાં 50 હજારનું કોટીંગ કર્યુ છે. ભાવનગરમાં 60 લાખનો બંગલો બનાવ્યો છે. આ બધુ 1 લાખના પગારમાં કેમ થાય તે આશ્ર્ચર્યની વાત છે. તેમ જણાવ્યું છે.
માર્ક ઓછા, નબળી કામગીરી મુદ્દે છૂટા કરાયા: આરોગ્ય અધિકારી
મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તબીબ ડો. રાજેશ માકડિયાને સ્ટાફ સાથે અભદ્ર વર્તન કરતા હોવાથી છુટા કરવામાં આવ્યા છે. તેવા આક્ષેપો અને ચર્ચા થતાં આ મુદ્દે મનપાના આરોગ્ય અધિકારીએ જણાવેલ કે, કોરોના કાળથી તેમની નબળી કામગીરીના કારણે અનેક વખત સુચનાઓ આપવામાં આવેલ તેમજ તે વખતે પણ છુટા કરાયેલ પરંતુ રહેમ રાહે આજ સુધી નોકરીમાં ચાલુ રાખેલ નિયમ મુજબ દર વર્ષે તબીબો દ્વારા કરવામાં આવેલ કામગીરીના માર્ક આપવામાં આવતા હોય છે. જેમાં ડો. રાજેશ માકડિયાના 2.5 માર્ક આવતા નિયમ મુજબ તેમને છુટા કરવા પડે છે. તેવી જ રીતે તેમને કોમ્પ્યુટર પણ આવડતું ન હોય આજ સુધી લગડધગડ ચલાવવામાં આવતા હતાં. અને અંતે માર્ક પુરા ન આવતા આ મુદ્દે ડે. કમિશનરને દરખાસ્ત કરાયેલ તેમની મંજુરી બાદ મ્યુનિસપલ કમિશનર તેમની તા. 23ના રોજ કરાર આધારીત મુદત પૂર્ણ થયેલ હોય તેઓ આપમેડે નોકરીમાંથી છુટા થઈ જાય છે.