હરણો પ્લાસ્ટિકનો કચરો ખાવા લાગ્યા, સિંહ ઉપર ખતરો
ગીરના જંગલનો વીડિયો વાયરલ થતાં જંગલખાતુ દોડતું થઇ ગયું
ગીર જંગલની આસપાસના વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સિંહનો ખોરાક ગણાતા હરણો પ્લાસ્ટિકનો કચરો ખાતા જોવા મળ્યા હતા. આ વીડિયો વાયરલ થતાં એશિયાટિક સિંહોના સ્વાસ્થ્ય પર ખતરો જણાતા વન વિભાગ હરકતમાં આવ્યું હતુ અને JCBની મદદથી કચરો હટાવવામાં આવ્યો હતો.હકીકતમાં રાજ્યસભા સાંસદ પરિમલ નાથવાણીએ ગીર જંગલની બહારના વિસ્તારનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યો હતો. જેમાં કેટલાક હરણો પ્લાસ્ટિકનો કચરો ખાઈ રહ્યા હોવાનું બતાવ્યું હતું.
સાંસદે સવાલ ઉઠાવતા જણાવ્યું કે, પ્લાસ્ટિક આરોગત હરણ તેમનો શિકાર કરતાં એશિયાટિક સિંહો માટે પણ ખતરો ઉભો કરે છે. આ બાબતે પ્રવાસીઓને જવાબદાર બનવાની તેમજ અભ્યારણ્યની અંદર કચરો ફેંકવાનું બંધ કરવાની સલાહ આપી હતી. આ સાથે જ સરકાર તેમજ વન વિભાગના અધિકારીઓને ગીરના વન્યજીવ માટે પ્લાસ્ટિક મુક્ત વાતાવરણ સુનિશ્ચિક કરવા કડક નિયમો લાગુ કરવાનું સૂચન કર્યું હતુ.
બીજી તરફ આ વીડિયો ધ્યાને આવતા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તાત્કાલિક DSF જૂનાગઢને સ્થળ પર ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ જૂનાગઢ મ્યૂનિસિપલ કોર્પોરેશનને પણ કચરો સાફ કરવાની સૂચના આપવામાં આવી હતી. જે બાદ પ્લાસ્ટિકનો કચરો હટાવી લેવામાં આવ્યો છે. આ સાથે જ જવાબદાર પ્લોટ માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.