બેફામ ટોલટેક્સ વસૂલી સામે એલાન-એ-જંગ, બે હાઇવે પર બહિષ્કારનું એલાન
ગુજરાતના વડોદરા-હાલોલ અને અડાલજ મહેસાણા રોડ બનાવવા માટે કરવામાં આવેલા ખર્ચની તુલનાએ અનેકગણો ટોલટેકસ વસૂલી લીધી હોવા છતાં તેના પર ટોલ ટેક્સ વસૂલવાનું ચાલુ રાખવા સામેના વિરોધમાં ગુજરાતમાં 16 લાખ કોમર્શિયલ વ્હિકલ ધારકો આગામી 21મી ડિસેમ્બરથી બંને ટોલ રોડ પર ટોલ ભરવાનો ઇનકાર કરશે. આ બંને રોડ ઉપર 2001-02 ટોલ ટેક્સ વસૂલવાનું ચાલુ છે. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને ટોલનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે. આ અંગે સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ મુકેશ દવેનું કહેવું છે કે સરકાર સાથે રસ્તો બાંધવાનો કરાર કર્યો તેમાં કંપનીએ તેને 20 ટકા વાર્ષિક નફો મળવો જોઈએ તેવી શરત મૂકી હતી. આમ રૂૂ. 500 કરોડના ઇન્વેસ્ટમેન્ટ પર રૂૂ. 100 કરોડનો નફો કરવાની શરત મૂકવામાં આવી હતી. નાણાંકીય વર્ષ દરમિયાન કંપનીને રૂૂ. 100 કરોડનો નફો ન થાય અને માત્ર રૂૂ.75 કરોડનો નફો થાય તો બાકી રૂૂ. 25 કરોડ મૂડીમાં ઉમેરાય અને તેના પર 20 ટકાનો વધુ નફો કરવાની છૂટ મળવી જોઈએ તેવી શરત રાખી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ મુજબ તેને 2030ની સાલ સુધી ટોલ વસૂલવાની છૂટ મળેલી છે. આ શરતને આધીન રહીને 2010ની સાલમાં ગુજરાત સરકારે રૂૂ.1910 કરોડ રિકવર કરવાની છૂટ આપી હતી. આ રકમ 2030ની સાલ સુધીમાં રિકવર કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. પરંતુ 2030 સુધીમા 1910 કરોડ વસૂલ ન થાય તેમ હોવાનું જણાવીને કંપનીએ તેની ટોલ વસૂલ કરવાની મુદત 2040 સુધી લંબાવી આપવાની માગણી મૂકી છે. આમ કંપની આજીવન મુદત વધાર્યા જ કરશે તેવી ટ્રાન્સપોર્ટર્સને દહેશત છે. તેથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણ કે કંપનીએ રોડનું મેઈન્ટેનન્સ તેવું કર્યુ જ નથી.
વડોદરા-હાલોલનો રોડ બનાવવામાટે રૂૂ. 170.64 કરોડ અને અડાલજ મહેસાણાનો રોડ બાંધવા માટે રૂૂ. 344.25 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ બંનેનો મળીને રૂૂ. 515.19 કરોડનો ખર્ચ થયો છે. અત્યાર સુધીમાં કંપનીએ રૂૂ. 3000 કરોડથી વધુની આવક કરી લીધી છે. બીજા રાજ્યો અને બીજા રાજ્યના નેશનલ હાઈ વેની સરખામણીમાં ગુજરાતના બે રસ્તાઓ ઉપર 52 (બાવન) ટકાથી માંડીને 380 ટકા વધુ ટોલ ટેકસ વસૂલવામાં આવી રહ્યો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કિલોમીટર દીઠ રૂૂ. 3.92 વસૂલવામાં આવે છે. જ્યારે વડોદરા હાલોલ હાઈ વે પર કિલોમીટર દીટ રૂૂ. 5.84 અને અમદાવાદ મહેસાણા હાઈવે પર કિલોમીટર દીઠ રૂૂ.5.72 વસૂલવામાં આવે છે.
અમદાવાદ મહેસાણા હાઈ વે પર જૂન 2009 સુધીમાં રૂૂ. 939.41 કરોડ અને વડોદરા હાલોલ રોડ પર રૂૂ.797.72 કરોડ મળીને રૂૂ. 1737 કરોડ વસૂલી લેવામાં આવ્યા છે. ત્યારબાદ બીજા પંદર વર્ષમાં થયેલી આવકની અંદાજે રૂૂ. 3000 કરોડથી પણ વધી ગઈ હોવાનું કહી શકાય તેમ છે. છતાં કંપની ટોલની રકમ સમયે સમયે વધાર્યા જ કરે છે. ટોલના દર વધારવા અંગે સપ્ટેમ્બર 2023માં એક ફરિયાદ પણ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પણ કરવામાં આવેલી છે. પરિણામે માલની હેરફેર કરતી કંપનીઓના કુલ ખર્ચમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચનું ભારણ વધીને 15 ટકા સુધી પહોંચી ગયું છે. આ અંગે ગુજરાત સરકારને વારંવાર કરેલી રજૂઆતો બહેરા કાને અથડાઈ છે.
વિદેશી કંપનીઓને ખટાવવાનો શંકાસ્પદ ખેલ
બિલ્ટ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર-બોટના ધોરણે બાંધી આપવામાં આવેલા આ રોડ બનાવનારી કંપની જીઆરઆઈએલ-ગુજરાત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં 16 ટકા શેર્સ ગુજરાત સરકારના અને 84 ટકા શેર્સ વિદેશી કંપનીના માલિકીના છે. આ રોડ બાંઘ્યો ત્યારે તેમને તેમના મૂડીરોકાણ અને વ્યાજ સહિતનું વળતર મળી જાય તે પછી ટોલ વસૂલવાનું બંધ કરી દેવાની શરત સામાન્ય રીતે રાખવામાં આવે છે. આમ છતાં ટોલટેક્સની વસુલાત ચાલુ રાખી વિદેશી કંપનીઓને ખટાવવાના શંકાસ્પદ ખેલ ચાલી રહ્યા છે.