ગુજરાતમાં ઉદ્યોગોની વ્યાખ્યા બદલવા નિર્ણય
MSME ઉદ્યોગોની ટર્નઓવર મર્યાદા 100થી 300 ટકા વધારાશે, ઉદ્યોગોને આકર્ષવાનો વ્યૂહ
રાજ્યમાં વધુ ઉદ્યોગોને આકર્ષવા અને તેમને ઊંચા પ્રોત્સાહનો આપવાના હેતુથી ગુજરાત સરકાર તેની આગામી ઔદ્યોગિક નીતિમાં સૂક્ષ્મ, લઘુ, મધ્યમ (MSME ) અને મોટા ઉદ્યોગોની વ્યાખ્યામાં વધારો કરવાની દરખાસ્ત કરી રહી છે. આ નવી નીતિ 2026ની શરૂૂઆતમાં જાહેર થવાની અપેક્ષા છે. રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફુગાવાને ધ્યાનમાં રાખીને અને રાજ્યમાં રોકાણને આકર્ષવા માટે, સરકારે તમામ સેગમેન્ટ માટે રોકાણની મર્યાદા બમણા કરતાં પણ વધુ અને ટર્નઓવરની મર્યાદા બમણી કરવાની યોજના બનાવી છે.
નવી નીતિમાં રોકાણની મર્યાદા માઇક્રો એન્ટરપ્રાઇઝ: ₹1 કરોડથી વધારીને ₹2.50 કરોડ. સ્મોલ એન્ટરપ્રાઇઝ: ₹10 કરોડથી વધારીને ₹25 કરોડ તથા મીડિયમ એન્ટરપ્રાઇઝ: ₹50 કરોડથી વધારીને ₹125 કરોડ કરવામાં આવનાર છે. તેવી જ રીતે, ટર્નઓવરની મર્યાદા પણ બમણી કરીને માઇક્રો માટે ₹10 કરોડ, સ્મોલ માટે ₹100 કરોડ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ માટે ₹500 કરોડ નક્કી થવાની અપેક્ષા છે.
મોટા ઉદ્યોગો માટે, રાજ્ય સરકારે મહત્તમ પ્રોત્સાહનની વર્તમાન મર્યાદા ₹2,500 કરોડથી વધારીને ₹10,000 કરોડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારની આગામી PLI (પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ) યોજનાઓ હેઠળ આવતા ક્ષેત્રોને નવી ઔદ્યોગિક નીતિમાં આપોઆપ સનરાઇઝ સેક્ટર તરીકે ગણવામાં આવશે.
‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર લાર્જ એન્ડ થ્રસ્ટ સેક્ટર ઇન્ડસ્ટ્રીઝ’ ની મુદત પણ વધારીને 2030 સુધી લંબાવવામાં આવશે, જે નવી ઔદ્યોગિક નીતિની મુદત સાથે સમાપ્ત થશે.