સમિતિની નિષ્ક્રિયતાથી ફી સ્લેબના ફેરફારનો નિર્ણય અધ્ધરતાલ
રાજ્યની ખાનગી સ્કૂલોની ફીના સ્લેબમાં ફેરફાર અંગે શિક્ષણ વિભાગે 30 જૂન, 2023ના રોજ સમિતિની રચના કરી હતી. આ સમિતિની રચનાને બે વર્ષ પૂર્ણ થવા આવ્યા છતાં હજુ સુધી સમિતિએ અહેવાલ સુપરત કર્યો ન હોવાનું જાણવા મળે છે. સમિતિની રચના બાદ 3 માસમાં અહેવાલ સુપરત કરાશે તેવું નક્કી થયું હતું, પરંતુ ત્યારબાદ વખતોવખત મુદતમાં વધારો કરાયા બાદ હજુ સુધી અહેવાલ મોકલાયો ન હોવાના લીધે સ્લેબના દરમાં ફેરફારને લઈને કોઈ નિર્ણય કરાયો નથી.હાલમાં પણ 2017માં અમલમાં હતા તે જ સ્લેબના દર અમલમાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં ખાનગી સ્કૂલો દ્વારા લેવામાં આવતી બેફામ ફી પર લગામ કસવા માટે રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન કાયદો 2017માં અમલમાં લાવવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં ચાલતી સ્કૂલોની ફીના ત્રણ સ્લેબ નક્કી કરાયા હતા. પ્રાથમિક સ્કૂલો માટે રૂૂ. 15 હજાર, માધ્યમિક સ્કૂલો અને સામાન્ય પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો માટે રૂૂ. 25 હજાર અને સાયન્સની ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો માટે રૂૂ. 30 હજારનો સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો. આ ફી કરતા વધુ ફી લેવા માગતી સ્કૂલોએ ફી કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરી ફી મંજુર કરાવવાની રહેતી હોય છે. જ્યારે ઓછી ફી લેતી સ્કૂલોએ એફિડેવીટ રજૂ કરવાની હોય છે.
આમ, હાલમાં સરકાર દ્વારા સ્કૂલોના સ્લેબ નક્કી કરવામાં આવ્યા તેને 8 વર્ષ પૂર્ણ થયા છે અને 9મું વર્ષ હવે શરૂૂ થશે. જેથી સંચાલકો દ્વારા સ્બેલમાં વધારો કરવામાં આવે તે માટે છેલ્લા ઘણા વર્ષોથી સરકારમાં રજૂઆત કરી રહ્યા હતા. સરકાર દ્વારા આ રજૂઆતોના પગલે ખાનગી સ્કૂલોના ફીના સ્લેબમાં ફેરફાર કરવા માટે એક સમિતિની રચના કરી હતી. આ સમિતિ દ્વારા તમામ પક્ષોને સાંભળ્યા બાદ પોતાનો અહેવાલ શિક્ષણ વિભાગને સુપરત કરશે અને ત્યારબાદ ફીના સ્લેબમાં ફેરફાર કરવામાં આવશે તેવું નક્કી કરાયું હતું. સમિતિના અધ્યક્ષ તરીકે શિક્ષણ બોર્ડના ચેરમેનને મૂકવામાં આવ્યા હતા.
શિક્ષણ વિભાગ દ્વારા સમિતિની રચના કર્યાને બે વર્ષ જેટલો સમય પૂર્ણ થવા આવ્યો હોવા છતાં હજુ સુધી સમિતિએ પોતાનો અહેવાલ સુપરત કર્યો નથી. જ્યારે સમિતિની રચના કરવામાં આવી ત્યારે સમિતિ 3 માસમાં પોતાનો અહેવાલ સુપરત કરશે તેમ જણાવાયું હતું, પરંતુ ત્યારબાદ તબક્કાવાર સમિતિની મુદતમાં વધારો કરાયો હતો, પરંતુ સમિતિ દ્વારા હજુ સુધી અહેવાલ સુપરત કરાયો ન હોવાનું જાણવા મળે છે. આમ, છેલ્લા બે વર્ષથી સમિતિ દ્વારા અહેવાલ જ સુપરત કરવામાં આવ્યો ન હોવાથી ફીના સ્લેબમાં ફેરફારને લઈને કોઈ જ નિર્ણય કરી શકાયો ન હોવાનું જાણવા મળે છે.