ગૌણ સેવાનો નિર્ણય: સંજોગોવસાત ઉમેદવારને તારીખમાં છૂટછાટ મળશે
- લગ્ન, પ્રસૂતિ અન્ય પરીક્ષા હોય તેવા કિસ્સામાં પરીક્ષાર્થીઓને સુવિધા અપાશે: મંડળનો પરીપત્ર
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જાહેરાત ક્રમાંક 212 વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાની તારીખ મુદ્દે અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા માટે અનુકુળ ન હોય તે ઉમેદવારો તારીખ અંગે મંડળને અગાઉથી જાણ કરવા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળએ પરિપત્રમાં જણાવ્યું છે કે તા.01/03/2024ના રોજ પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનો કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર ઉમેદવારને કોલ લેટરમાં ફાળવેલ સ્થળ, તારીખ અને સમય બદલી શકાશે નહી તેમ જણાવવામાં આવેલ છે.આ પરીક્ષા કાર્યક્રમના સમયગાળા દરમિયાન લગ્નની સિઝન અને યુનિવર્સિટીની પરીક્ષાઓ હોવાના કારણોસર તદુપરાંત મહિલા ઉમેદવારને પ્રસુતિની તારીખના કિસ્સામાં ઉમેદવારની રજુઆત અન્વયે સહાનુભૂતિપૂર્વક વિચારણા કર્યા બાદ કોઇ ઉમેદવારને પ્રતિકૂળ હોય તેવી પરીક્ષા તારીખ ફાળવવામાં આવશે નહીં.
અનિવાર્ય સંજોગોમાં ઉમેદવારને પરીક્ષા માટે કઈ તારીખ પ્રતિકૂળ છે તે અંગેની આ સાથે સામેલ નિયત નમૂના મુજબની અરજી તા.12/03/2024 સુધીમાં મંડળને રૂૂબરૂૂમાં રજૂ કરવાની રહેશે. નિયત સમયમર્યાદા બાદ કે ઉપર્યુક્ત ખાસ કિસ્સાઓ સિવાયની અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં. ઉમેદવારો દ્વારા મળેલ અરજીઓ બાબતે મંડળ દ્વારા સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી ઉમેદવારોના હિતમાં નિર્ણય લેવામાં આવશે તથા મંડળ આ બાબતે જે નિર્ણય લેશે તે ઉમેદવારને બંધનકર્તા રહેશે.
મંડળે એમ પણ જણાવ્યું છે કે, જો કોઇ ઉમેદવાર દ્વારા ખોટા દસ્તાવેજો રજુ કરીને અથવા અન્ય કોઈ રીતે મંડળને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો ઉમેદવારને પરીક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. તદુપરાંત ખોટું સોગંદનામુ રજુ કરવા સબબ ફોજદારી ગુન્હો પણ બની શકે છે. જેની નોંધ લેવા જણાવવામાં આવે છે.
પરિપત્રની વિગત
1. ઉમેદવારના પોતાના લગ્ન હોવાના કિસ્સામાં
મંડળે જણાવ્યું છે કે, આ માટે ઉમેદવારે તેઓના લગ્નની અસલ કંકોત્રી સાથે તથા રૂા.50ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે. તદુપરાંત ઉમેદવારે લગ્નની તારીખ બાદ મોડામાં મોડા 2 મહિનાના સમયગાળા દરમિયાન મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફીકેટ પણ રજૂ કરવાનું રહેશે.
2. ઉમેદવારની યુનિવર્સિટીની પરીક્ષાના કિસ્સામાં.
આ માટે ઉમેદવારે યુનિવર્સિટીની પરીક્ષા હોવા અંગેના જરૂૂરી આધારો તથા રૂા.50 ના સ્ટેમ્પ પેપરના સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે.
3. મહિલા ઉમેદવારો માટે પ્રસૂતિના કિસ્સામાં.
આ માટે ઉમેદવારે સક્ષમ તબીબી અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રસૂતિની અંદાજીત તારીખ અંગે જરૂૂરી આધાર-પુરાવા સહ મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે (સોંગદનામાની જરૂૂર નથી).