સાંઢવાયા ગૌશાળાનો મૃત્યુઆંક 75, કલેકટર-DDO દોડયા
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે આવેલી શ્રી રામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટની ગૌશાળામાં ગમખ્વાર ઘટના બની છે. અહીં છેલ્લા બે દિવસમાં 75 જેટલી ગાયોનાં શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યાં છે. ફૂડ પોઇઝનિંગ (ઝેરી ખોરાક)ના કારણે આ કરૂૂણાંતિકા સર્જાઈ હોવાનું પ્રાથમિક તારણ છે.
ગાયોના આટલી મોટી સંખ્યામાં મોતની જાણ થતાં જ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આજે વહેલી સવારે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી આનંદ સુરેશ ગોવિંદ સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સાંઢવાયા ખાતેની ગૌશાળાએ દોડી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશએ ’ગુજરાત મીરર’ સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, "પ્રાથમિક દ્રષ્ટિએ ગાયોના મોત માટે ફૂડ પોઇઝનિંગ જવાબદાર હોય શકે છે. 11 તારીખના રોજ દાતાઓ દ્વારા ગૌશાળાને મગફળીનો ખોળ આપવામાં આવ્યો હતો. આ ખોળ આપ્યા બાદ જ મોટી સંખ્યામાં ગાયોના મોતની ઘટના જોવા મળી છે, અને ખાસ કરીને જે વિસ્તારમાં આ ખોળ આપવામાં આવ્યો હતો, ત્યાં જ મૃત્યુઆંક વધુ છે."
કલેક્ટરે માહિતી આપી
હતી કે, પ્રથમ દિવસે 70 જેટલી ગાયોના મોત થયા હતા, જ્યારે ગઈકાલે 5 ગાયોના મોત નીપજ્યાં હતા. આમ, કુલ 75 ગાયોના મોત થયા છે. રાહતની વાત એ છે કે, હાલ મોતની સંખ્યામાં ઘટાડો થયો છે.