રાજકોટમાં ખૂની હુમલામાં ઘવાયેલા હોટેલ મેનેજરનું મોત:બનાવ હત્યામાં પલટાયો
- પૈસા લૂંટવા યુવાન પર કરાયો હતો હુમલો:ચારેય રીઢા ગુનેગારને પકડી લેવાયા,હત્યાની કલમનો કરાયો ઉમેરો
રાજકોટ શહેરમાં બેડી ચોકડી પાસે આવેલી હોટેલના મેનેજર અને તેમના મિત્ર ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી રાત્રીના સમયે મોબાઇલ ખરીદી પોતાના ઘરે પરત ફરવા રીક્ષામાં બેઠા હતા ત્યારે તેમાં સવાર ચાર શખ્સોએ રોકડ ભરેલુ પાકીટ સેરવી લીધા બાદ થોડે આગળ બંન્નેને ઉતારી દીધા હતા. તેઓને પર્સ ચોરી થયાનું જણાતા બીજી રીક્ષા કરી તે રીક્ષાનો પીછો કરતા રીક્ષામાં બેઠેલા ચારેય શખ્સોએ તેમની પર જીવલેણ હુમલો કર્યો હતો.આ બનાવમાં બી-ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે હોટેલ મેનેજરના મિત્રની ફરિયાદ પરથી પોલીસે ચારેયની ધરપકડ કરી તમામની વધુ પૂછપરછ શરૂૂ કરી છે.આ બનાવમાં હોટેલ મેનેજરનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટયો હતો.
વધુ વિગતો અનુસાર, મોરબી રોડ બેડી ચોકડી પાસેની રોયલ હોટેલમાં રહેતા અને ત્યાં જ જનરલ મેનેજરની નોકરી કરતા મનોજ ચંદ્રસિંહ (ઉ.વ.22) મુળ ઉત્તરપ્રદેશનો યુવાન ગઇકાલે તેમના મિત્ર જયપાલસિંહ (ઉ.વ.22) સાથે રાત્રીના સમયે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મોબાઇલ ખરીદવા ગયા હતા. ત્યાંથી ભાડે રીક્ષા કરી પરત હોટેલ આવવા નીકળા ત્યારે રીક્ષામાં અગાઉથી જ ચાર શખ્સો બેઠેલા હતા. તેઓએ થોડે આગળ બંંન્ને મિત્રોને નીચે ઉતારી દીધા હતા. અને મનોજ ખીસ્સામાં હાથ નાખતા તેમનુ પર્સ રીક્ષામાં પડી જતાં તેમણે અન્ય એક રીક્ષા ભાડે કરી તે રીક્ષાનો પીછો કર્યો હતો.
આ રીક્ષાને આંતરી અટકાવતા પર્સ વિશે પુછતા ચારેય શખ્સોએ મનોજ અને તેમના મિત્ર પર હુમલો કર્યો હતો. મનોજને માથામાં ધોકાના ઘા ઝીંકતા તેમની હાલત હાલ ગંભીર હોવાનું જણાય છે. આ બનાવની જાણ થતા બી-ડીવીઝનના પીએસઆઇ કે.ડી.મારૂૂ અને રાઇટર મહેશભાઇ રૂૂદાતલાએ મનોજના મિત્રની ફરિયાદ પરથી રીક્ષા ગેંગના સામે હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધાયો હતો.આ બનાવમાં બી ડિવિઝન પોલીસના પીઆઇ એસ.એમ. જાડેજા, એલસીબી ઝોન 1 પીએસઆઈ બી.વી. બોરીસાગર, સતુભા જાડેજા, વિજેન્દ્રસિંહ અને સ્ટાફે બાતમીને આધારે ભાવેશ ઉર્ફે ડાન્સર દિપકભાઇ મકવાણા(રહે.રામ ટાઉનશીપ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રાજકોટ),જીજ્ઞેશ મૈયાભાઇ સિંધવ (રહે.એકતા સો.સા, રાજકોટ), સાગર દિનેશભાઇ વાઘેલા(રહે.પચ્ચીસ વારીયા ક્વાટર્સ, જામનગરરોડ રાજકોટ) અને ઇરફાન મેહબુબભાઇ બેલીમ(રહે. ભગવતીપરા, આશાબાપીર દરગાહ પાસે રાજકોટ)ની ધરપકડ કરી તેની રીક્ષા કબ્જે કરી હતી.આ બનાવમાં સારવારમાં રહેલા મનોજનું રાત્રે મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટયો હતો.યુવકના મોત અંગે ઉત્તરપ્રદેશ રહેતા તેમના પરિવારને જાણ કરતા તેઓ પણ રાજકોટ પહોંચી ગયા હતા.તેમજ આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમ નો ઉમેરો કરવામાં આવશે.
સાગર અને જીજ્ઞેશ બંને રીઢા ગુનેગાર:અગાઉ મર્ડર અને બળાત્કારમાં જેલની હવા ખાઈ ચૂક્યા છે
આરોપી જીજ્ઞેશ અગાઉ 2017ની સાલમાં ગાંધીગ્રામ વિસ્તારમાં હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.સાગર અગાઉ અપહરણ અને બળાત્કારના ગુનામાં તેમજ એક વખત પાસામાં જઈ આવ્યો છે.ભાવેશ ઉર્ફે ડાન્સર અગાઉ પ્રોહી અને વાહન ચોરી સહિત સાત ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે અને એક વખત પાસામાં પણ જઈ આવ્યો છે.