ઉપલેટાની વેણુ નદીમાં ડૂબી જતા યુવકનું મોત
કોલકી ગામનો યુવક મિત્રો સાથે વેણુ નદીમાં નાહ્વા પડ્યો હતો, ચાર દિવસમાં બીજી કરુણ ઘટના
ઉપલેટાના નિલાખા ગામે ગયા બુધવારે ત્રણ મિત્રો વેણુ નદીમાં ન્હાવા જતા એક મિત્રનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું જેની હજુ શાહી પણ સુકાઈ નથી ત્યાં ઉપલેટાના કોલકી ગામે રહેતા બે મિત્રો ગધેથડ ગામ પાસે આવેલ વેણુ ડેમ પાસે નદીમાં કપડાં ધોવા અને નાહવા જતાં એક યુવકનું પગ લપસી જતા ઊંડા પાણીમાં ગરકાવ થયેલ જે હજુ સુધી તરવૈયાઓને મળેલ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉપલેટાના કોલકી ગામે ઘણા વર્ષથી તેના બેનના ઘરે રહેતા અને મૂળ સુરતના મનોજભાઈ નામદેવભાઈ પ્રજાપતિ નામનો 37 વર્ષીય યુવક જે ત્યાં સ્થાનિક કારખાનામાં જ કામ કરતો હોય તે તેના કોલકી ગામના જ એક મિત્ર ગીરીશભાઈ લાલજીભાઈ વામજા નામના 53 વર્ષીય વ્યક્તિ સાથે ઉપલેટાના ગધેથડ ગામના શ્રી ગાયત્રી આશ્રમની પાસે આવેલ વેણુ 2 ડેમ પાસે નદીએ કપડાં ધોવા અને નાહવા માટે ગયેલ હોય. તેના મિત્ર ગીરીશભાઈના જણાવ્યા પ્રમાણે બંનેએ પહેલા કપડા ધોયા અને જે સુકવવા જવાની તૈયારી કરી રહ્યા હોય ત્યારે હું કપડાની ડોલ લઈને આગળ નીકળેલો અને મનોજ પ્રજાપતિ પાછળ આવી રહ્યો હોય પણ આગળ જઈને મેં પાછું વળીને જોતા મનોજ દેખાયેલ નહીં.
નીચે પાણીમાં એના હાથ દેખાતા ડોલ મૂકીને દોડીને ગયો હતો અને બચાવવાનો પ્રયત્ન કર્યો બે થી ત્રણ વખત દેખાયા પછી ઉપર ન આવતા વેણુ ડેમના કર્મચારીઓને બોલાવવા માટે દોડી ગયો ત્યાંથી કર્મચારીઓ જગદીશભાઈ અને વાછાણીભાઈ તાત્કાલિક દોડી આવ્યા હતા. અંદર રસ્સી અને નાળા ફેંકીને પ્રયત્ન કરેલ પરંતુ એ મળેલ ન હતો. ત્યારબાદ ઉપલેટા મામલતદાર મહેશ ટી. ધનવાણી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ હુંબલ અને ભાયાવદર પોલીસ પીઆઈ ડી. બી. મજેઠીયા સાહેબને તાત્કાલિક જાણ કરતા તમામ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપલેટા મામલતદાર તંત્ર દ્વારા ઉપલેટાના સ્થાનિક સરવૈયાઓ લઈને દોડી આવ્યા હતા જે સવારે 10:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી પાણીમાંથી શોધવાની મહેનત કરેલ હોય પરંતુ મળેલ ન હોય જેને કારણે તંત્ર દ્વારા ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ બોલાવવામાં આવી હતી એ પણ બપોરે ત્રણ વાગ્યાથી સાંજે અંધારું થયું ત્યાં સુધી શોધખોળ કરેલ પરંતુ મનોજભાઈનો મૃતદેહ મળેલ ન હતો.
ફરી આજે ગોંડલ ફાયર બ્રિગેડ ટીમ દ્વારા સવારે શોધખોળ હાથ ધરાશે તેવું તંત્ર દ્વારા જણાવાયું હતું.
કપડાં ધોવા અને ન્હાવા તેમજ માછીમારી કરવા માટે નદી કે ડેમ વિસ્તારમાં પ્રતિબંધના બોર્ડ લાગેલ હોવા છતાં ડેમ વિસ્તારમાં કોઈ સિક્યુરિટી હોવા છતાં તેમના દ્વારા કેમ કોઈપણ જાતની કામગીરી હાથ ધરવામાં નથી આવતી કે પગલાં લેવામાં નથી આવતા એ સવાલ હાલ લોકોમાં ઉઠી રહ્યો છે. આવી બેદરકારીને કારણે કેટલા લોકોના જીવ જશે. હવે વધારે કોઈ જીવ જશે કે કોઈ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાશે તે જોવાનું રહ્યું. કોલકી ગામના સરપંચ પ્રકાશભાઈ ભાલોડીયા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ કોલકી ખંડના મલયભાઈ અમૃતિયા તેમની ટીમ સાથે, મૃતકના પરિવારજનો તેમજ અન્ય ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.