નવનિર્મિત બિલ્ડિંગના બીજા માળેથી પટકાયેલા દોઢ વર્ષના માસૂમનું મોત
લોધિકાના રાવકી ગામની ઘટના: પુત્રનાં મોતથી શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ
લોધીકા તાલુકાના રાવકી ગામે નવનિર્મિત બિલ્ડીંગના બીજા માળેથી રમતા રમતા દોઢ વર્ષનો માસુમ અકસ્માતે નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા માસુમનું મોત નિપજતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધિકા તાલુકાના રાવકી ગામે ક્ધટ્રક્શન સાઇટ પર મજૂરી કામ કરતા શ્રમિક પરિવારનો રાજદીપ પંકજભાઈ નીનામા નામનો દોઢ વર્ષનો માસુમ બાળક ત્રણ દિવસ પૂર્વે બિલ્ડીંગની સાઈડ પર બીજા માળે રમતો હતો. ત્યારે રમતા રમતા અકસ્માતે નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા માસુમને તાત્કાલિક સારવાર માટે ખાનગી બાદ જનાના હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર દરમિયાન માસુમ બાળકે દમ તોડી દેતા શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાળકનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે. અને છેલ્લા સાત મહિનાથી રાવકી ગામે ક્ધસ્ટ્રક્શન સાઈડ પર કડિયા કામ કરી ગુજરાન ચલાવે છે. મૃતક બાળક તેના માતા-પિતાને એકનો એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લોધિકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.