તબીબી બેદરકારીથી જામનગરના રવાની ખીજડિયાની બાળાનું મોત
રાજકોટની માં શારદા હોસ્પિટલના તબીબે ઓપરેશન કર્યા બાદ પરિવારની સંમતિ વગર અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દીધી
સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં લઇ જવામાં આવી ત્યારે વાહનમાં ઓક્સિજન કે કોઇ સગવડતા હતી જ નહીં!
જામનગરના રવાની ખીજડીયામાં રહેતા પરિવારની 11 મહીનાની બાળાને તાવ આવતા તેમને રાજનગર ચોક પાસેની માં શારદા હોસ્પીટલે સારવાર માટે ખસેડવામાં આવી હતી ત્યાં તબીબે રીપોર્ટ કરાવતા બાળાને ઇન્ફેકશન લાગતા તેમને ગાંઠ હોવાનું ખુલ્યું હતું અને તેનું ઓપરેશન કર્યા બાદ બાળાની તબીયત લથડી હતી અને તેમના પરિવારની સંમતિ વગર જ બાળાને સૌરાષ્ટ્ર હોસ્પીટલમાં ટ્રાન્સફર કરી હતી. તેમને આ હોસ્પીટલે લઇ જતી વેળાએ વાહનમાં ઓકિસજન કે વેન્ટિલેટર જેવા કોઇ સાધન પણ હતા નહી અને સૌરાષ્ટ્ર હોસ્પીટલે ખસેડયા બાદ બાળાનું મોત નીપજયું હતું. આ મામલે બાળાના પરિવારે માં શારદા હોસ્પીટલનાં તબીબી વિરૂધ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે.
બનાવની વધુ વિગતો અનુસાર, જામનગરના રવાની ખીજડીયામાં રહેતા જનકસિંહ જાડેજાની 11 મહીનાની પુત્રી મિતાલીબાને ચારેક દિવસથી તાવ આવતો હોવાથી તેમને મંગળવારે રાજકોટ શહેરની નાનામવા રોડ રાજનગર ચોક પાસે આવેલી માં શારદા હોસ્પીટલે સારવારમાં ખસેડવામાં આવી હતી. જયાં તાવની સારવાર ચાલુ હતી ત્યારે તેમના રીપોર્ટ કરાવવામાં આવતા બાળાને ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ ત્યાંના તબીબ જીતેન્દ્ર ગાંધીએ તેનું ઓપરેશન કર્યા બાદ બાળાની તબીયત લથડી હતી અને તેમને સૌરાષ્ટ્ર હોસ્પીટલમાં ખસેડવામાં આવતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. મિતાષીબાની માતાનું નામ તેજલબા છે. મૃતક બાળા એક ભાઇની એકની એક બહેન હતી.
આ મામલે મૃતકના પિતા જનકસિંહે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે દીકરીને સારવાર માટે માં શારદા હોસ્પીટલમાં ખસેડવામાં આવતા તેમનું તબીબ જીતેન્દ્ર ગાંધી દ્વારા ઓપરેશન કરાયું હતું અને ઓપરેશન બાદ તેઓ પાસે પુરતા સાધન ન હોવાથી 42 હજારનું બીલ ભરાવી અને સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવી ત્યારે વાહનમાં સાધનો કે ઓકિસજન હતું નહીં તેમજ માં શારદા હોસ્પીટલમાં પણ વેન્ટિલેટરની કોઇ સગવડતા હતી નહીં. ડોકટર જીતેન્દ્ર ગાંધીએ પૈસા માટે જ દીકરીનું ઓપરેશન કર્યું હતું તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસ સમક્ષ રજુઆત કરી હતી. આ બનાવ અંગે માલવીયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કે.જી. કાલા તપાસ ચલાવી રહ્યા છે.
નવ વાગ્યે મૃત્યુ થયું ને 11 વાગ્યે મરણની તબીબોએ જાણ કરી!
મૃતકના પિતા જનકસિંહે જણાવ્યું હતું કે, દીકરી બેભાન થઇ ત્યો તેમને પમ્પીંગ કરવામાં આવ્યું હતું. જો કે તેનું મોત નવ વાગ્યે થયું હતું અને પરિવારને 11 વાગ્યે મરણની જાણ કરી હતી. મોતનું કારણ જાણવા બાળાના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે.