જામનગરમાં કોંગો ફીવરથી મૃત્યુ : આરોગ્ય તંત્ર એલર્ટ
પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા આધેડનું મોત, પુણેથી આવ્યો પોઝિટિવ રિપોર્ટ
જામનગર શહેરમાં કોંગો ફીવરનો એક કેસ સામે આવ્યો છે. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા એક આધેડ વયના વ્યક્તિનું ગત સપ્તાહે મૃત્યુ થયું હતું. તેમના નમૂનાઓ પુણે મોકલવામાં આવ્યા હતા અને હાલમાં જ આવેલા રિપોર્ટમાં તેઓ કોંગો ફીવરથી સંક્રમિત હોવાનું જણાયું છે. આ મામલો સામે આવતાં જ આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને સંક્રમિત વિસ્તારમાં સેનિટાઇઝેશનની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. આ સાથે જ, સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને તપાસવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
કોંગો ફીવર એક પ્રકારનો વાયરલ રોગ છે જે કીટ ના કરડવાથી ફેલાય છે. આ રોગના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઝાડા અને શરીરમાં દુખાવોનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સામાં આ રોગ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
જામનગરમાં કોંગો ફીવરનો કેસ સામે આવતાં આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
લોકોને કીટ ના કરડવાથી બચવા માટે લાંબા બાંયના કપડા પહેરવા, જંગલમાં જતી વખતે સાવચેતી રાખવા અને કીટ ના કરડવા પર તરત જ ડોક્ટરને બતાવવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ, આરોગ્ય વિભાગે આ વિસ્તારમાં ફેલાયેલા કીટ નો નાશ કરવા માટે પણ કામગીરી શરૂૂ કરી છે.
