વેરાવળમાં ફટાકડાનો તીખારો નિદ્રાધીન વૃદ્ધા ઉપર પડતા દાઝી જતાં મોત
વેરાવળમાં આવેલી સરાત સોસાયટીમાં રહેતા વૃદ્ધા પહેલા માળે સુતા હતા તે દરમિયાન નીચે બાળકો ફટાકડા ફોડતા હતા જે ફટાકડાનો તિખારો ઉડીને બાલકનીમાંથી વૃદ્ધા માથે પડયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વેરાવળમાં આવેલી સરાત સોસાયટીમાં રહેતા રતનબેન પ્રેમજીભાઈ મણીયાર ગામના 87 વર્ષના વૃદ્ધા ત્રણ દિવસ પૂર્વે પોતાના ઘરે પહેલા મળે સુતા હતા તે દરમિયાન નીચે બાળકો ફટાકડા ફોડતા હતા જે ફટાકડાનો તિખારો ઉડીને બાલ્કનીમાંથી વૃદ્ધા ઉપર પડતા વૃદ્ધા ગંભીર રીતે દાઝી ગયા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ચોટીલામાં આવેલી ચામુંડા ટાઉનશિપમાં રહેતા ભગવાનજીભાઈ લાખાભાઈ દુમાદીયા નામના 52 વર્ષના આધેડ પોતાના ઘરે હતા. ત્યારે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં લોહીની ઉલટી થયા બાદ બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આધેડનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક ભગવાનજીભાઈ ત્રણ ભાઈ બે બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.