ભાવનગરમાં મોડી રાત્રે નિવૃત્ત જવાન ઉપર જીવલેણ હુમલો, સ્વબચાવમાં ગોળીબાર
ભાવનગર શહેરના ફુલસર કર્મચારી નગરમાં રહેતા નિવૃત આર્મી ના જવાનના ઘર પાસેથી એક યુવક પૂરપાટ ઝડપે બાઇક ચલાવી ને નીકળતા આર્મી ના જવાને બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવક ના સમર્થન માં પાંચ થી દસ લોકો ના ટોળાએ આર્મીના જવાન અને તેના ભાઈ ઉપર હુમલો કરાયો હતો જ્યારે સામાપક્ષે પણ આર્મી ના જવાને હવામાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના ફુલસર કર્મચારી નગર વિસ્તારમાં રહેતા અને નિવૃત આર્મી જવાન નયનસિંહ નવલસિંહ ડોડીયા રાત્રે તેમના ઘરે હતા તે વેળાએ તેમની જ સોસાયટી માં રહેતો એક યુવક પૂરપાટ ઝડપે અકસ્માત થાય તે રીતે સોસાયટી માંથી પસાર થતાં નયનસિંહ એ આ યુવકને બાઇક ધીમું ચલાવવાનું કઈ ટપાર્યો હતો.
જે બાદ યુવક અને તેના પિતા એ બાઇક પૂરપાટ ઝડપે જ ચલાવવાશે અને કર્મચારી નગરમાં રહેવું હોય તો અમે કહીએ તેમ રહેવું પડશે તેમ કહી નયનસિંહ ડોડીયા અને તેમના ભાઈ ઉદયસિંહ ડોડીયા ઉપર પાંચ થી દસ લોકોના ટોળાએ હથિયારો થી જીવલેણ હુમલો કર્યો હતો અને સામસામે મારામારી સર્જાય હતી. જે બાદ આર્મી ના જવાન નયનસિંહ એ જીવ બચાવવા લાયસન્સ વાળી પિસ્તોલ થી બે રાઉન્ડ હવામાં ગોળીબાર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. બનાવની જાણ થતા જ બોરતળાવ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હાલમાં બંને પક્ષ તરફથી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે. બાઇક ધીમે ચલાવવાની સામાન્ય વાતમાં નિવૃત્ત આર્મીમેન પર થયેલા આ હુમલા અને ત્યારબાદ ફાયરિંગની ઘટનાથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.