જિલ્લા પંચાયતના નાયબ વિકાસ અધિકારી પાસેથી મહત્ત્વના ખાતા પરત લઇ લેતા DDO
જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ સંભાળતા દીક્ષિત પટેલને મહેકમની વધારાની જવાબદારી સોંપાઇ: કચેરીમાં ખળભળાટ
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા પંચાયતના નાયબ વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ પાસેથી મહત્વના ખાતાનો હવાલો પરત લઇ અને અન્ય અધિકારીઓને સોંપી દેવાતા ભારે ખળભળાટ મચી ગયો છે. ઇલાબેન પાસેથી મહેકમનો હવાલો લઇ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીના ચાર્જમાં રહેલા દિક્ષિત પટેલને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ઈલાબેન ગોહિલ રાજકોટ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ તરીકે ફરજ પર હાજર થતા તેને મહેસુલ, મહેકમ અને વહીવટી વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિકાસ વિભાગની પણ જવાબદારી ઇલાબેન ગોહિલને વધારાના ચાર્જ તરીકે સોપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગૌહાણેએ મહેકમની કામગીરીનો હવાલો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત એચ. પટેલને સોપ્યો છે. મહેસુલ વિભાગનો હવાલો નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે.એન.ગોસ્વામીને સોંપવામાં આવેલ છે. આવી રીતે પંચાયત વિભાગની જવાબદારીમાંથી પણ ઇલાબેન ગોહિલને મુકત કરવામાં આવ્યા છે અને હવે તેમની પાસે વિકાસ તથા વહીવટી વિભાગની માત્ર બે કામગીરી રહી છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ અને ડેપ્યુટી ડીડીઓ જે.એન.ગોસ્વામી પાસે અત્યારે જે કામગીરી છે તે ઉપરાંત વધારાની જે કામગીરી સોંપવામાં આવી છે તે અન્ય હુકમ ન થાય ત્યાં સુધી સંભાળવાની રહેશે તેઓ આદેશ જિલ્લા વિકાસ અધિકારીએ કર્યેા છે. નવા ફેરફારવાળા આ હુકમની અમલવારી આજથી જ તાત્કાલિક અસરથી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
પંચાયતના સૂત્રોના જણાવ્યા મુજબ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ હાજર થયા ત્યારથી એક યા બીજા વિવાદમાં રહ્યા છે. કર્મચારીઓની સજાના કેસમાં તેમણે આપેલા ચુકાદાઓ પણ વિવાદમાં રહ્યા છે અને છેલ્લે રેવન્યુ વકીલ મંડળ સામે પણ તેમનો વિવાદ થયો હતો. આ સમગ્ર મામલે ગાંધીનગરમાં રજૂઆત થયા પછી ઉપરથી આવેલી સૂચનાના આધારે આ કામગીરી થઈ હોવાનું બોલાઈ રહ્યું છે. જોકે સત્તાવાર સાધનો આ બાબતે કશું કહેવા તૈયાર નથી. જિલ્લા વિકાસ અધિકારીએ આવો આદેશ કર્યા પછી તેની નકલ ગાંધીનગર ખાતે વિકાસ કમિશનરને અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિકાસ વિભાગના નાયબ સચિવને પણ મોકલવામાં આવી છે