તારીખ પે તારીખ... ગુજરાતની કોર્ટોમાં 40% જગ્યાઓ ખાલી, સુપ્રિમે જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટે ગુજરાતની અનેક ટ્રાયલ અને એપેલેટ કોર્ટોમાં મોટા પાયે ખાલી જગ્યાઓ, માળખાકીય ખામીઓ અને વહીવટી વિસંગતતાઓ જાહેર કરનારા એક ગંભીર અહેવાલ પર આઘાત વ્યક્ત કર્યો છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે ગુજરાત રાજ્ય સરકાર અને ગુજરાત હાઈકોર્ટને આ મુદ્દાઓ પર તાત્કાલિક જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટે સૌપ્રથમ એક સિવિલ રિકવરી દાવાની સુનાવણી દરમિયાન ચિંતા વ્યક્ત કરી હતી, જે 2001માં દાખલ થયો હોવા છતાં બે દાયકાથી વધુ સમય સુધી પેન્ડિંગ રહ્યો. બેન્ચે નોંધ્યું કે જાહેર નાણાંની વસૂલાતમાં આટલો લાંબો વિલંબ ન્યાયિક પ્રણાલીમાં ખલેલ પહોંચાડનારી સ્થિતિ છે.
એડવોકેટ આસ્થા શર્મા (એમિકસ ક્યુરી) દ્વારા રજૂ કરાયેલા વ્યાપક અહેવાલમાં રાજ્યભરની કોર્ટોની ગંભીર સ્થિતિ સામે આવી છે જેમાં શ્રમ અને ઔદ્યોગિક અદાલતોમાં લગભગ 40% જગ્યાઓ ખાલી છે. જયારે સ્ટેનોગ્રાફરોની અછતને કારણે એડહોક પૂલનો દૈનિક ઉપયોગ થઈ રહ્યો છે. જેનાથી જવાબદારીનો અભાવ છે.સુપ્રીમ કોર્ટે આ અહેવાલની ગંભીર નોંધ લીધી છે અને રાજ્યના મુખ્ય સચિવ અને હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ અહેવાલ મોકલીને તાત્કાલિક પરામર્શ કરીને ન્યાયિક માળખાને મજબૂત બનાવવા માટે પગલાં લેવા જણાવ્યું છે.