માધાપર વિસ્તારમાં રાત્રે 8 વાગ્યે સર્જાશે અંધારપટ્ટ
રેલવે ટ્રેક વિસ્તાર, જામનગર હાઇવે, મોરબી રોડ બાયપાસ તેમજ નાગેશ્ર્વર નજીક ઓપરેશન શિલ્ડ મોકડ્રીલનું આયોજન
રાજ્ય સરકારની સૂચના અનુસાર દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) રોજ શહેરના માધાપર વિસ્તારમાં યોજાશે.
કલેક્ટર પ્રભવ જોષીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ‘ઓપરેશન શિલ્ડ’નું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં આજે શનિવારના રોજ સાંજે માધાપરની ઉત્તરે રેલવે ટ્રેક વિસ્તાર, દક્ષિણે રાજકોટ જામનગર હાઇવે, પૂર્વમાં રાજકોટ મોરબી બાયપાસ તેમજ પશ્ચિમે નાગેશ્વર જતા રોડ સુધીના વિસ્તારમાં નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે.
રાજ્ય સરકારના આદેશ અનુસાર માધાપર વિસ્તારમાં રાત્રે 8.00 વાગ્યે સાઈરન વગાડવામાં આવશે, જે દરમિયાન આજુબાજુના વિસ્તારોમાં રહેતા નાગરિકોએ ટોટલ બ્લેકઆઉટનું પાલન કરવાનું રહેશે. તમામ નાગરિકોએ આ સમયે પોતપોતાના ઘરની લાઈટ તથા સોસાયટીની કોમન લાઇટ બંધ કરવાની રહેશે. રસ્તા પર ચાલતા વાહનોએ પોતાની મૂવમેન્ટ બંધ કરીને રસ્તાની સાઇડમાં પાર્ક કરવાના રહેશે તથા બ્લેક આઉટનું ચુસ્તપણે પાલન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રહીશોને નમ્ર અપીલ કરવામાં આવી છે. આ કવાયતમાંથી કોઈ પણ પ્રકારની ઇમરજન્સી તેમજ તમામ મેડિકલ સર્વિસિઝને મુક્તિ આપવામાં આવી છે.
આ કવાયત દરમિયાન નાગરિક સુરક્ષાને લગતી સ્થાનિક પ્રશાસનની સુસજ્જતા, એન. સી. સી. તથા યુવા વોલન્ટીયર્સની સેવાઓ લેવાની, દુશ્મનના વિમાની અને મિસાઇલ હુમલા સંદર્ભે, એર રેપિડ સાયરન કાર્યરત કરવાની, સંપૂર્ણ અંધારપટ કરી નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત, સંભવિત હુમલા બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મેડિકલ ટીમનું તાત્કાલિક ડીપ્લોયમેન્ટ કરવા સંદર્ભે કલેકટર જરુરી સૂચનાઓ આપી છે. આ કવાયત દરમિયાન જરુરી તમામ વિભાગો અને સ્ટેકહોલ્ડર્સ દ્વારા સમયસર સંકલન કરવામાં આવશે. 200થી વધુ એન.સી.સી.કેડેટસ તથા યુવા વોલન્ટીયર્સ આ ઓપરેશનમાં સામેલ થશે.