ગિરનાર પર પ્રતિમા ખંડિત થવાના ઘેરા પડઘા, હરિયાણામાં સંતોની બેઠક
જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર 5,500 પગથિયે આવેલા ગુરુ ગોરક્ષનાથની પ્રતિમા ખંડિત થવાની ચોંકાવનારી ઘટનાના ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ કૃત્યને કારણે સાધુ-સંતો અને સનાતનીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
ગિરનારની આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હરિયાણામાં નાથ સંપ્રદાયના સંતોની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજસ્થાનના ખકઅ યોગી બાલકનાથ બાપુ સહિત દેશભરના અગ્રણી સંતો હાજર રહ્યા હતા.
સંતોએ સર્વસંમતિથી આ ધર્મભ્રષ્ટ કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરી હતી અને પ્રતિમા ખંડિત કરવાની ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે તેવી માગણી કરી હતી. હરિયાણાની આ બેઠકમાં ઉપસ્થિત સંતોએ ભારપૂર્વક આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જવાબદારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
આ મામલે એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ આ ઘટનાને સનાતન વિરોધી કૃત્ય ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના ગિરનારની શાંતિ ડહોળવાનો પ્રયાસ છે અને જૂનાગઢ પ્રશાસને તાત્કાલિક જાગીને આરોપીઓની જલદી ધરપકડ કરવી જોઈએ.