For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાડાના વાંકે પખાલીને ડામ: અનેક બ્રિજ રાતોરાત બંધ કરી દેવાતા વાહનો ડાઇવર્ઝનમાં ફસાયા; અંધાધૂંધી-ટ્રાફિક જામના દ્દશ્યો

05:07 PM Jul 19, 2025 IST | Bhumika
પાડાના વાંકે પખાલીને ડામ  અનેક બ્રિજ રાતોરાત બંધ કરી દેવાતા વાહનો ડાઇવર્ઝનમાં ફસાયા  અંધાધૂંધી ટ્રાફિક જામના દ્દશ્યો

સૌરાષ્ટ્ર-ગુજરાતને જોડતો ભોગાવો નદીનો બ્રિજ બંધ કરાતા વનવેમાં કલાકો સુધી વાહનોની લાગતી કતારો

Advertisement

ઢંગધડા વગરના ડાઇવર્ઝનના કારણે સતત ટ્રાફિક જામ, અકસ્માતો સર્જાવાનું જોખમ, અનેક ડાઇવર્ઝન ભાંગીને ભુક્કો

નર્મદા જિલ્લાના પાંચ બ્રિજ બંધ, ભારે વાહન ચાલકોને 40થી 45 કિલોમીટરનો ફોગટ ફેરો

Advertisement

મોરબી જિલ્લામાં પણ ત્રણ બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી, વલસાડ જિલ્લામાં નેશનલ હાઇવેના પાંચ પુલ બંધ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો આણંદ નજીકનો ગંભીરા બ્રિજ તુટી પડયા બાદ સરકાર સફાળી જાગી છે અને રાજયભરના નાના-મોટા તમામ બ્રિજોની ચકાસણી કરી જોખમી બ્રિજો સંપુર્ણ બંધ કરવામાં આવ્યા છે અથવા તો ભારે વાહનોને રાતોરાત પ્રવેશબંધી કરવામાં આવી છે. જેના કારણે કાઢવામાં આવેલા વૈકલ્પિક રસ્તાઓ ઉપર ઠેર-ઠેર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાઇ રહ્યા છે અને સતત અકસ્માતોનું જોખમ તોળાઇ રહ્યું છે.
અચાનક બ્રિજ બંધ કરાતા અને વૈકલ્પિક રસ્તા ઢંગધડા વગરના ભાંગેલા- તુટેલા હોવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. ગંભીરા ઓવરબ્રિજની ઘટના બાદ સરકાર જાગી હતી અને રાજ્યના તમામ ઓવરબ્રિજની તપાસ કરવા માટેના આદેશો જીલ્લા તંત્રને કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ટીમો બનાવીને ઓવરબ્રિજનું નિરીક્ષણ ચાલી રહ્યું છે. બ્રિજ દુર્ઘટના બાદ હવે ગુજરાતના વાહન વ્યવહાર પર મોટી અસર પડી રહી છે. તંત્રએ તાત્કાલિક અસરથી સમારકામની કામગીરી હાથ ધરતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહેવાની છે. અનેક બ્રિજ બંધ થતા રાહદારીઓએ મોટો ફેરો ફરવાનો વારો આવ્યો છે. જે તેમના બજેટને પણ અસર કરશે.

બાવળા-બગોદરા હાઇવે પર ભોગાવો બ્રિજનું કામ હાથ ધરાયું છે. કામગીરીને લઈને પોલીસ વિભાગે જાહેરનામું બહાર પાડ્યુ છે. કામગીરીને જોતા બ્રિજ પર એક રસ્તા પર બંને ટ્રાફિક ડાયવર્ટ કરાયા છે. અમદાવાદથી રાજકોટ બ્રિજ પરનો રૂૂટ 31 જુલાઈ સુધી બંધ કરાયો છે. પોલીસ વિભાગ દ્વારા વૈકલ્પિક રસ્તો જાહેર કરાયો છે.
નર્મદા જિલ્લામા પણ પાંચ જેટલા જૂના બ્રિજને ભારે વાહનો માટે બંધ કર્યા છે. જેમાં મુખ્ય બે બ્રિજ છે એક વડોદરા જિલ્લાને જોડતો રંગ સેતુ જે નર્મદા નદી પર પોઇચા ખાતે આવેલો છે અને બીજો કરજણ નદી પર આવેલો કરજણ બ્રિજ જે રાજપીપળા અને ભરૂૂચ જિલ્લા ને જોડે છે. જોકે આ કરજણ બ્રિજને સમાંતર જ બીજો નવો બ્રિજ છે એટલે હાલ આ જૂના બ્રિજને બંધ કરી નવા બ્રિજ પર ભારે વાહનો અવર જવર કરે છે. અને પોઇચા રંગ સેતુ બ્રિજ જોખમી જણાતાં તેને તાત્કાલિક અસરથી ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હવે ભારે વાહનો ટ્રક, હાઇવા, બસ, ટેમ્પા સહીત વાહનો ને તિલકવાડા દેવલિયા તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. રંગસેતુ બ્રિજ બંધ કરાતા 40-45 કિલોમીટરનો ફેરો ફરવા પડશે.

માળિયા, હળવદ અને વાંકાનેર તાલુકામાં જુદા જુદા ત્રણ બ્રિજ ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી કરાઈ છે. વર્ષો જૂના બ્રિજ જર્જરીત દુર્ઘટના ન બને તે માટે હાલમાં બ્રિજ બંધ કરાયા. ચોમાસા બાદ ત્રણેય સ્થળ ઉપર નવા બ્રિજ બનાવવા માટેની કામગીરી હાથ ધરાશે. જામનગર અને કચ્છ તરફ આવવા જવા માટેનો માળીયા બ્રિજ પાસે બંધ થતા વાહનચાલકોને 20 કિલોમીટરનો ફેરો વધશે.

ઉમેટા બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર પર રોક લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. અને બ્રિજ પર ઉમેટા અને સિંધરોટ તરફ બેરીકેડ ગોઠવી પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. અને ભારે વાહનોની અવર જવર રોકવા લોખંડની એંગલો લાવી ખાડા ખોદી એંગલો લગાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે.
વલસાડ જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના માં કુલ 5 પૂલોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંધ કરવામાં આવેલા પૂલો પર પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે. ભારે વાહનોને રોકવામાં આવી રહ્યા છે. બંધ પુલો પર માત્ર નાના વાહનો જ પસાર કરવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે ભારે વાહનોને જાહેર કરવામાં આવેલા વૈકલ્પિક રસ્તાઓ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જોકે પુલ બંધ હોવાથી ભારે વાહન ને કિલોમીટરોનો ચકરાવો મારવાનો વારો આવ્યો છે. જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 56 પર જ ચાર પુલ બંધ કરવામાં આવ્યા છે. જેમાં તાન નદી, માન નદી, કોલક નદી અને રાતા ખાડી પરના પુલ બંધ કરાયા છે. તો વલસાડના ઓરંગા નદી પર આવેલા લીલાપોર પુલ પણ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.

મોરબી જિલ્લામાં ત્રણ મેજર બ્રીજ ઉપર ભારે વાહનોની પ્રવેશ બંધથી કરવામાં આવી છે અને વૈકલ્પિક રસ્તાઓ માટે થઈને કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેની ચુસ્તપણે અમલવારી થાય તેના માટે થઈને પોલીસ દ્વારા બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે અને માળીયા પીપળીયા હાઇવે રોડ ઉપર આવેલો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવતા વાહનચાલકોને 20 કિલોમીટર કરતાં વધુનો ફેરો ફરવા જવું પડે તેવો ઘાટ સર્જાયો છે.

સાબરકાંઠામા હિંમતનગર-વિજાપુરને જોડતા સાબરમતી નદીનાં દેરોલ પુલને લઈ જાહેરનામું બહાર પડાયું છે. દેરોલ પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરાઈ છે. વૈકલ્પિક માર્ગ હિંમતનગર-પ્રાંતિજ-અનોડિયા-મહુડી ચોકડી-વિજાપુર જાહેર કરાયો છે. હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે દેરોલ પુલ બંધના બોર્ડ લગાવ્યા છે. ભારે વાહનોને આરટીઓ સર્કલ પર પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગ તરફ જવા જાણકારી આપી રહ્યા છે.
હિંમતનગર-વિજાપુર સ્ટેટ હાઈવે 55 પર સાબરકાંઠા-મહેસાણા જિલ્લાને જોડતો સાબરમતી નદી પરનો ઓવરબ્રિજની પેરાફીટ સહીત ખખડધજ પરિસ્થિતિ હોવાનું સામે આવ્યા બાદ પેરફીટનું સમારકામ કર્યું હતું. પરંતુ ઓવરબ્રિજ 59 વર્ષ જુનો હોવાને લઈને જોખમી હોવાની સંભાવના સાથે માત્ર સાડા સાત મીટર પહોળો અને 250 મીટરથી વધુ લાંબો છે જેને લઈને અધિક જીલ્લા કલેક્ટર દ્વારા કોઈ અક્સમાતની ઘટના ના બને તેને લઈને ઓવરલોડ અને ભારે વાહનોની અવર જવર બંધ કરવાનો નિર્ણય લીધા છે. હિંમતનગર-વિજાપુર તરફ ભારે વાહનોને અટકાવી દેવામાં આવે છે અને તેમને વૈકલ્પિક માર્ગ પર જવા જાણકારી આપવામાં આવે છે.એટલું જ દેરોલ ઓવરબ્રિજ નજીક સાબરકાંઠાની હદમાં પણ આ કામગીરી પોલીસ ધ્વારા જાહેરનામાની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.

ગંભીરા બ્રિજ તૂટી પડતા ઉદ્યોગોને વધારાનો ડામ
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાત પર અવરજવર કરતા વાહન ચાલકોને લાંબો રૂૂટ પરથી જવું પડશે. પાદરા વહીવટી તંત્રએ નોટિસ બોર્ડ લગાવ્યું. આ કારણે મહારાષ્ટ્રથી સૌરાષ્ટ્ર તરફ જતા ભારદારી વાહનોને 50 કિલોમીટરનો ફેરો પડશે. આ કારણે પાદરા ઈન્ડસ્ટ્રીઝને પણ મોટું નુકસાન થશે. 400 જેટલી ઈન્ડસ્ટ્રીઝના ભાવદારી વાહનો મુજપુર ગંભીરા બ્રિજનો ઉપયોગ કરતા હતા. આણંદ જિલ્લાના ખેડૂતોને પણ મોટું નુકસાન થશે. પાદરા સરદાર શાક માર્કેટમાં આનંદથી આવતા ખેડૂતોને પણ મોટું નુકસાન થશે. ખેડૂતોને શાકભાજી કે ફ્રુટ વેચવા માટે પાદરા આવતા હતા.

વૈકલ્પિક રસ્તા રિપેર કર્યા વગર વાહનો શરૂ કરી દેવાયા
ગુજરાતમાં વડોદરા નજીકનો ગંભીરા બ્રિજ તુટી પડતા 20થી વધુ લોકોના મોત નિપજયા બાદ સરકારે રાજયના તમામ નાના-મોટા બ્રિજની ચકાસણી કરી જોખમી બ્રિજો રાતોરાત બંધ કરી દેતા ડાયવર્ઝનોમાં ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ છે. રાજયમાં ગેરંટીવાળા રસ્તાઓ પણ ભાંગી પડયા છે ત્યારે આડા રસ્તાઓ ઉપર કાઢવામાં આવેલા ડાયવર્ઝનો તો સંપુર્ણપણે ભાંગીને ભુક્કો થઇ ગયા છે. રાજય સરકારે વૈકલ્પિક માર્ગોની મરામત કર્યા વગર રાતોરાત બ્રિજ બંધ કરી દીધા છે. પરંતુ વૈકલ્પિક રસ્તાઓની હાલત વાહન ચલાવવા જેવી છે કે, નહીં તેની કોઇ દરકાર લેવામાં આવી નથી જેના કારણે વાહન ચાલકોની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ જોવા મળે છે. અમુક ડાયવર્ઝન ઉપર તો બે-બે ફુટના ખાડા જોવા મળે છે, જેના કારણે વાહનો પલટી મારી જવાનો સતત ભય રહે છે.

ખરાબ રોડ-રસ્તા બાબતે જવાબદાર અધિકારી પર પગલા લો: હાઇકોર્ટ
રાજ્યમાં ખરાબ રોડ-રસ્તાઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ આકરાપાણીએ, કહ્યું જવાબદાર અધિકારીઓ સામે પગલા લો, રાજ્યમાં હજુ વરસાદની સિઝન શરૂૂ જ થઈ છે અને તમામ રોડની હાલત કથળેલી જોવા મળી રહી છે. ત્યારે રાજ્યમાં ખરાબ રોડ રસ્તા મુદ્દે હવે ગુજરાત હાઈકોર્ટ પણ આકરાપાણીએ જોવા મળી રહી છે. હાઈકોર્ટે સરકારને ખખડાવતા કહ્યું કે ખરાબ રોડ જેવી પરિસ્થિતિમાં જવાબદાર અધિકારીઓ સામે પગલા લો, બેદરકાર અધિકારી સામે ચાર્જફ્રેમ થઈ શકે છે. બેદરકાર અધિકારીઓના લીધે કાયદાનું પાલન ન થાય તે ચલાવી લેવામાં આવશે નહીં. હાઈકોર્ટે વધુમાં કહ્યું કે દર વર્ષે આ પરિસ્થિતિમાં જનતા મુકાય તે કેમ ચલાવી લેવામાં આવે છે. સરકાર દ્વારા કેમ કોઈ પગલા લેવામાં આવતા નથી. રાજ્ય સરકાર સ્ટેન્ડ ક્લિયર કરે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લે તે જરૂૂરી છે. તંત્રના ભોગે નિર્દોષ જનતા ભોગ બને તે કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે. ખરાબ અને હલકી ગુણવતાના રોડ-રસ્તાઓ બનાવતા કોન્ટ્રાક્ટરો સામે દંડ સહિતને કાર્યવાહી કરવામાં આવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ખરાબ રોડ રસ્તા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આગામી સુનાવણી 17 જુલાઈના રોજ યોજાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement