ઘરેલુ કજિયા-છૂટાછેડાના દૈનિક સરેરાશ 170 કેસ
ગુજરાતની ફેમિલી કોર્ટના આંકડા ચોંકાવનારા, એક વર્ષમાં કેસ 27194થી વધી 62146 થઈ ગયા
શિક્ષિત વર્ગમાં છૂટાછેડાના પ્રમાણમાં સતત વધારો, પત્નીઓ કરતા પતિદેવોની છૂટાછેડાની અરજીઓ વધુ
ગુજરાતમાં શિક્ષણ સાથે દેખાદેખીનું પ્રમાણ વધી રહ્યું છે અને પારિવારિક ભાવના તથા સહનશિલતા ઘટી રહી હોવાથી લગ્નવિચ્છેદનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. યુવા પેઢી લગ્ન જીવનના તાંતણે બંધાયા બાદ સ્વતંત્ર વિચારધારાના કારણે દાંપત્ય જીવન તુટી રહ્યાં ચે અને કોર્ટ કચેરીઓમાં આવા કેસોનું ભારણ સતત વધી રહ્યું છે જે બાબત સભ્ય સમાજ માટે ઘેરી ચિંતા અને ચિંતનનો વિષય છે. ગુજરાતની વાત લઈએ તો રાજ્યમાં ફેમિલી કોર્ટોમાં કેસોમાં 125 ટકા જેવો વધારો નોંધાયો છે. આ ઉપરાંત છુટાછેડા માટે અરજીઓ કરનારાઓમાં પત્નીઓ કરતા પતિ દેવોની સંખ્યા વધુ છે.
પારિવારિક કલેશોના પ્રમાણમાં વધારો થતાં ગુજરાતની ફેમિલી કોર્ટમાં નોંધાતા કેસમાં એક વર્ષમાં બમણો વધારો નોંધાયો છે. વર્ષ 2023માં 27194 સામે વર્ષ 2024માં 62146 જેટલા કેસ ફેમિલી કોર્ટમાં નોંધાયા હતા. એક વર્ષમાં ફેમિલી કોર્ટમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યમાં ગુજરાત ચોથા સ્થાને છે. વર્ષ 2024માં ગુજરાતની ફેમિલી કોર્ટમાં 62146 કેસ નોંધાયા હતા. જેના ઉપરથી કહી શકાય કે, દરરોજ સરેરાશ 170 જેટલા કેસ ફેમિલી કોર્ટમાં નોંધાય છે. વર્ષ 2024ના અંતે ગુજરાતની ફેમિલી કોર્ટમાં 51999 કેસ પેન્ડિંગ હતા.
વર્ષ 2024 સમગ્ર દેશની વાત કરવામાં આવે તો સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ઉત્તર પ્રદેશ 1.88 લાખ સાથે મોખરે, પંજાબ 55547 સાથે બીજા, કેરળ 45628 સાથે ત્રીજા, ગુજરાત ચોથા સ્થાને છે. અન્ય મોટા રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં 30236, મઘ્ય પ્રદેશમાં 32874, રાજસ્થાનમાં 34174 કેસ નોંધાઈ ચૂક્યા છે. ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 3.98 લાખ, કેરળમાં 1.09 લાખ, પંજાબમાં 77604 જેટલા પેન્ડિંગ કેસ છે. સમગ્ર દેશની 848 ફેમિલી કોર્ટમાં 6.43 લાખ કેસ નોંધાયા છે, 12.42 લાખ પેન્ડિંગ છે જ્યારે 6.85 લાખ કેસનો નિકાલ થયેલો છે.
નિષ્ણાતોને મતે, છેલ્લા કેટલાક સમયથી દંપતીમાં નાની તકરાર મોટું સ્વરૂૂપ ધારણ કરવા લાગે છે અને તે છેવટે છૂટાછેડામાં પરિણમે છે. દંપતીમાં સમજણનો સેતુ સતત તૂટી રહ્યો છે અને બંનેમાંથી જાણે કોઈ અહમની દીવાલ તોડવા માટે તૈયાર નથી. વર્તમાન સમયમાં મહિલા અને પુરુષની પ્રાથમિકતા બદલાઈ છે. મોબાઇલ, સોશિયલ મીડિયામાં વધુ પડતો સમય તણાવનું કારણ છે. નાની-નાની વાતોમાં સાસુ-સસરા સાથે અણબનાવના કિસ્સા વઘ્યા છે.
છેલ્લા પાંચથી દસ વર્ષમાં આવતાં કેસમાં 30થી 40 ટકા કેસ 40થી 50 વર્ષની વયજૂથના લોકોના છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષિત વર્ગમાં છૂટાછેડાના પ્રમાણમાં વધારો થયો છે. શહેરની ફેમિલી કોર્ટ પડતર છૂટાછેડાના કેસમાં અરજી કરનારા 50થી 65 ટકા પતિ છે. ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ કુલ કેસમાંથી 60 હજારમાં તો પતિએ છૂટાછેડા માગ્યા છે.
સમાજ માટે ચિંતા અને ચિંતનનો વિષય
ગુજરાતની ફેમિલી કોર્ટોમાં છુટાછેડા અને ઘરેલુ હિંસાના કેસોમાં તોતીંગ વધારો થયો છે. સાંપ્રત સમાજ માટે આ ચિંતા અને ચિંતનનો વિષય છે. આજના યુવાનો અને યુવતીઓમાં શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે આમ છતાં સ્વતંત્ર મિજાજ અને પારિવારિક ભાવના તેમજ સહનશક્તિના અભાવના કારણે દાંપત્ય જીવનમાં કલેશ અને છુટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. આ માટે ઘણા અંશે પરિવારો પણ જવાબદાર છે. સંતાનોને વધુ પડતી છુટછાટ કે, વધુ પડતી સ્વતંત્રતા દાંપત્ય જીવન તુટવામાં મહત્વાનો ભાગ ભજવી રહ્યાં છે. યુવા પેઢીમાં વ્યસન, ઈગો અને એકલા રહેવાના વિચિત્ર વળગણના કારણે પારિવારિક વ્યવસ્થા ખોરાવાઈ રહી છે. અનેક એવા કિસ્સા પણ સામે આવે છે કે, જેમાં પુરા છ મહિના પણ દાંપત્યજીવન ચાલતુ નથી. આ પ્રમાણ હવે ધીરે ધીરે વધી રહ્યું છે ત્યારે સમાજે સામુહિક ચિંતન કરવાનો પણ સમય પાકી ગયો છે.
ઘરેલુ હિંસાના કાયદાનો દુરુપયોગ
ભારતમાં ઘરેલું હિંસાના કાયદા સ્ત્રી તરફી વધુ હોવાથી આ કાયદાનો દૂર ઉપયોગ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં પતિના વૃધ્ધ માતા પિતા તેમજ અન્ય પરિવારજનો સામે ખોટા કેસ કરાયાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ઘણા કિસ્સાઓમાં તો મોટી રકમ કે, મિલકતોમાં ભાગ પડાવવા માટે પતિના પરિવારજનોને કોર્ટ કેસની ખુંવારી સહન કરવી પડતી હોય છે. દેશની અદાલતોએ પણ અવારનવાર આ બાબતોને ઉજાગર કરી છે પરંતુ હજુ સુધી આવા કાયદાઓમાં સુધારા માટે ખાસ સંશોધન શરૂ થયું નથી તેથી પત્ની પીડિત પતિઓ અને તેના પરિવારજનોનું જીવન દુષ્કર બની રહ્યું છે.
