'દાહોદનો વટ પડી ગયો, ભારતમાં બનેલી વસ્તુઓ વિદેશમાં થાય છે એક્સપોર્ટ' દાહોદમાં PM મોદીની જનસભા
ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પહેલી વાર ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ આજે સવારે 10 વાગ્યે વડોદરા પહોંચ્યા હતાં અને એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટરનો ભવ્ય રોડ શો કર્યો હતો. વડોદરા સિંદૂર યાત્રા પુરી કર્યા બાદ પીએમ મોદી દાહોદ પહોંચ્યા છે. જ્યાં તેમણે નવ નિર્મિત રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિરિક્ષણ કર્યું હતું અને ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને લીલીઝંડી આપી હતી.
વડાપ્રધાન મોદીએ દાહોદમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે '2014માં આજના દિવસે મેં પ્રથમ વખત PM પદના શપથ લીધા હતા. ગુજરાતના લોકોને ભરપૂર આર્શીવાદ આપ્યા છે કોઇ ખોટ રાખી નથી. તમારા આર્શીવાદથી જ હું દિવસ રાત દેશવાસીઓની સેવામાં લાગેલો છું. દેશ આજે દરેક સેક્ટરમાં આગળ વધી રહ્યો છે.'
https://x.com/BJP4India/status/1926900299047772418
તેમણે કહ્યું કે, "આજે આપણે 140 કરોડ ભારતીયો આપણા દેશને વિકસિત ભારત બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. દેશની પ્રગતિ માટે જે કંઈ જરૂરી છે તે ભારતમાં જ બનાવીએ. ભારત ઉત્પાદનની દુનિયામાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આજે આપણે સ્માર્ટ ફોનથી લઈને વાહનો, રમકડાં, લશ્કરી શસ્ત્રો અને દવાઓ જેવી વસ્તુઓ વિશ્વભરના દેશોમાં નિકાસ કરી રહ્યા છીએ."
વધુમાં કહ્યું કે'આજે ભારત દુનિયાનું મોટું એક્સપોર્ટર બની રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની મેટ્રોમાં આપણા ગુજરાતમાં બનેલા કોચ છે. મેક્સિકો, સ્પેન, જર્મની આ દેશોમાં પણ રેલવે દ્વારા જરૂરી નાના મોટા સાધનો ભારતમાં બનીને જઈ રહ્યા છે.'
તેમણે કહ્યું કે, 'રેલવેનો કેવો વિકાસ થયો છે. સેમી અને સ્માર્ટ સ્પીડ રેલવે જેનું કોઈ નામ નહોતું લેતું. દેશમાં 70 રૂટ પર વંદે ભારત ટ્રેન ચાલી રહી છે અને આજે અમદાવાદ-વેરાવળ સોમનાથ દાદાના ચરણોમાં વંદેભારત ચાલુ થઈ છે. હવે સોમનાથ માટેના દરવાજા ખુલી ગયા છે. ભારતમાં આજે આટલી આધુનિક ગાડીઓ ચાલી રહી છે અને તેનું મોટું કારણ છે નવી ટેકનોલોજી દેશના યુવાઓ તૈયાર કરી રહ્યા છે. કોચ ભારતમાં બને, લોકોમોટિવ ભારતમાં બને. આ બધું પહેલા વિદેશોમાંથી લાવવું પડતું હતું. આજે પરસેવો પણ આપણો, પૈસા પણ આપણાં અને પરિણામ પણ આપણું.'
વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે'અહીંની દરેક સમસ્યાનું સમાધાન કરવા માટે સતત કામ કરતા રહીએ છીએ. મારે ગર્વ સાથે કહેવું છે કે દાહોદ વિશે જે મેં સપના જોયા હતા એ આજે સાકાર થવાનું અને આંખો સામે જોવાનું સૌભાગ્ય મળે છે. હું દાવા સાથે કહું છું આદિવાસી વિસ્તાર એવો દાહોદ કેવો વિકાસ પામે એ જોવું જોઇએ. આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સિટી બને એ જ નવાઈ લાગે.'
વધુમાં કહ્યું કે 'મારો દાહોદ સાથેનો સંબંધ રાજકારણમાં આવ્યા પછી નથી થયો, લગભગ 70 વર્ષ થયા હશે બે-બે ત્રણ ત્રણ પેઢી સાથે કામ કરવાની તક મળી છે. આજે પરેલ 20 વર્ષ પછી ગયો. આખું પરેલ બદલાઈ ગયું છે. પહેલા હું આવું એટલે સૂર્યાસ્ત થાય ત્યારે મને એમ થાય કે સાયકલ પર પરેલ જાવ. વરસાદ પડ્યો હોય અને લીલોતરી થઈ ગઈ હોય અને એ સાંજ મને આનંદદાયક લાગતું. પરેલમાં સાથીઓ સાથેના ઘરે સાંજના રોટલા જમીને પાછો આવું'
દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલ મંત્રાલય દ્વારા રૂ. 21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરીંગ શોપ-રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરવાની સાથે આણંદ-ગોધરા, મહેસાણા પાલનપુર, રાજકોટ-હડમતીયા રેલ લાઇનના ડબલિંગ કામ,સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફ્કિેશન અને કલોલ-કડી-કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કુલ રૂ.2287 કરોડના કામો સહિત રેલવેના કુલ રૂ. 23,692 કરોડના કામોનું લોકાર્પણ કર્યું અને દાહોદમાં 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું.