મોરબીમાં દાદા ભગવાન જન્મજયંતિ મહોત્સવનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
જ્ઞાનીપુરૂષ પુસ્તક ભાગ-6ના વિમોચન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
ઘડિયાળ ઉત્પાદન માટે વિશ્વપ્રસિદ્ધ મોરબી, જ્યાંથી સમયને માપતા ઘડિયાળ વિશ્વભરમાં પહોંચે છે, ત્યાં હવે ઉભી થઈ રહી છે એવી જોવા જેવી દુનિયા જ્યાં સમય જ થંભી જશે! અવસર છે આધ્યાત્મિક ક્રાંતિ લાવનાર પરમ પૂજ્ય દાદા ભગવાનના 118મા જન્મજયંતિ મહોત્સવનો, જે મોરબીમાં 3 થી 9 નવેમ્બર દરમિયાન ઉજવાશે. રવાપુર-ઘુનડા રોડ પર 32 લાખ ચોરસ ફૂટના વિશાળ ક્ષેત્રમાં આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 3 નવેમ્બરની સાંજે આ સુખ અને શાંતિ આપતી સાચી સમજણનો ખજાનો ખૂલી જશે.
જન્મજયંતી મહોત્સવનો શુભારંભ 3 નવેમ્બરના રાતે 8.30 વાગ્યે દીપકભાઈ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાદા ભગવાનના જીવનચરિત્ર પર આધારિત પુસ્તક શૃંખલા -જ્ઞાની પુરુષના ભાગ 6 નું પૂજ્ય દીપકભાઈના હસ્તે વિમોચન કરવામાં આવશે. આ શુભ અવસરે પૂજ્ય દીપકભાઈના આશીર્વચન અને મુખ્યમંત્રીનું સંબોધન કાર્યક્રમને યાદગાર બનાવશે.
થીમ પાર્ક એટલે રોજીંદા જીવન વ્યવહારમાં આધ્યાત્મિક સમજણને સાંકળતી સમજણ આપતા વિવિધ પ્રદર્શનો. અહીં સાઈરન, વિક્રમ વેતાળ, મૈં કૌન હું?", "એહસાસ" નામના પ્રદર્શનોમાં ફિલ્મ, નાટક, મલ્ટીમીડિયા જેવા મનોરંજક માધ્યમો થકી માનવધર્મ એટલે શું?, પતિ-પત્નીના નાજુક સંબંધ કઈ રીતે સચવાય? જેવા વ્યવહારિક પ્રશ્નો, તેમજ માન નામનો અંતરશત્રુ કઈ રીતે કામ કરે છે?, પોતાની સાચી ઓળખાણ શું? જેવા આધ્યાત્મિક પ્રશ્નોના ફોડ હસતા-રમતા મળશે. ખાસ બાળકોનો બગીચો એટલે કે, ચિલ્ડ્રન પાર્ક. જેમાં "તારા રમપમપુર" મનોરંજક પપેટ શો, ચાલો બનીએ સુપરહીરો" ટોટલ એક્સપીરિયંસ શો, હનુમાન ઔર કાલનેમી* ડ્રામા શો દ્વારા બાળકોને મિત્રો સાથે વ્યવહાર, આંતરિક નબળાઈઓ ઉપર વિજય તેમ જ સોશિયલ મીડિયા અને મોબાઈલની લતમાંથી કેવી રીતે બહાર નીકળવું એની સાચી સમજણ મળશે. સાથે સાથે એમ્ફીથીયેટર માં બાળકોને પોતાની પ્રતિભા જાહેરમાં પ્રસ્તુત કરવાનો મોકો પણ મળશે.
3 થી 9 નવેમ્બર દરમિયાન રોજ સાંજે 4.30 થી રાત્રે 11 વાગ્યા સુધી આ જોવા જેવી દુનિયા"ના દરવાજા ખુલ્લા રહેશે જે નાના-મોટા સહુના આનંદ, ઉત્સાહ અને જ્ઞાનમાં વધારો કરશે. એટલું જ નહીં, જોવા જેવી દુનિયા"માં બાળકો માટે લકી-ડ્રો, અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસતું ફૂડ કોર્ટ, ટેકનોલોજી અને જ્ઞાનનો સમન્વય કરતી વેબ દુનિયા, બાળ વિજ્ઞાન અને આધ્યાત્મિક પુસ્તકોનો ખજાનો પૂરો પાડતા બુક સ્ટોર્સ પણ મુલાકાતીઓમાં આકર્ષણ જમાવશે.
4 નવેમ્બરના રોજ પરમ પૂજ્ય દાદા ભગવાનના 118મા જન્મદિવસની ભવ્ય ઉજવણી થશે. પૂજન તેમજ આરતી અને ત્યારબાદ સવારે 10:30 થી 1 તેમજ સાંજે 5 થી 6 દરમિયાન પૂજ્ય દીપકભાઈના દૃષ્ટિદર્શન રહેશે.
આ ઉપરાંત, મહોત્સવ અંતર્ગત 5, 6 અને 7 નવેમ્બરના રોજ સવારે 10 થી 12:30 તેમજ 6 અને 7 નવેમ્બરે રાત્રે 8:30 થી 11 દરમિયાન પૂજ્ય દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગ પણ રહેશે. આ પ્રશ્નોત્તરી સત્સંગની ખાસિયત એ છે કે અહીં કોઈપણ વ્યક્તિ પોતાને મૂંઝવતા સંસારિક કે વ્યવહારિક પ્રશ્નો પૂછીને તેના સમાધાન પૂજ્ય દીપકભાઈ પાસેથી મેળવી શકે છે. બુધવાર 5 નવેમ્બરના રોજ રાત્રે 7:30 થી 11 દરમિયાન દરમિયાન, આત્મસાક્ષાત્કાર થકી દિવ્યદૃષ્ટિ પ્રદાન કરતી જ્ઞાનવિધિનો કાર્યક્રમ યોજાશે.