સાયબર માફિયાઓએ ગુજરાતમાંથી 1 માસમાં 150 કરોડ ખંખેર્યા
સીઆઈડી ક્રાઈમના આંકડા મુજબ ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં સાયબર ફ્રોડના 11600 ગુના નોંધાયા
"ડિજિટલ એરેસ્ટથી લઈ ઓનલાઈન શોપિંગ સહિતના કેસમાં ઉછાળો"
ગુજરાતમાં સાયબર માફિયાઓએ પોતાની જાળમાં અનેક લોકોને ફસાવી કરોડો રૂપિયા પડાવ્યા છે. સ્ટેટ સીઆઈડી ક્રાઈમના આંકડા મુજબ ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં ઓનલાઈન છેતરપીંડીના 11,600 કેસ નોંધાયા છે. એક મહિનામાં ગુજરાતીઓએ 150 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. ડીજીટલ એરેસ્ટથી લઈ, ઓનલાઈન શોપીંગ, અને બેન્ક એકાઉન્ટ બંધ કરાવવાના નામે ગુજરાતી પાસેથી 150 કરોડ પડાવી લીધાના ચોકાવનારા આંકડા મળ્યા છે
ગુજરાત સહિત દેશભરમાં સાયબર ક્રાઈમથી કરોડોની છેતરપિંડી થઈ રહી છે. સ્ટેટ સાયબર સેલ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે. જે મુજબ માત્ર ઓક્ટોબર મહિનામાં થયેલા સાયબર ફ્રોડના આંકડાઓ પર નજર કરીએ તો, ખોટી ઓળખના 2270, ઓનલાઈન શોપિંગના 1130, તથા અન્ય કેસમાં 1400 સાથે મળીને કુલ 11600 કેસ નોંધાયા છે.
સ્ટેટ સાયબર સેલ સીઆઈડી ક્રાઈમ દ્વારા જાહેર થયેલા આંકડામાં અંદાજે રૂૂપિયા 150 કરોડની છેતરપિંડી ગુજરાતમાં થઈ છે, જે માટે 11,600 ફરિયાદો નોંધાઈ છે. સાયબર ક્રાઈમની સામે જાગૃતિ માટે પોલીસ અને સરકારના અભિયાન પર પાણી ફરી રહ્યું છે તેવું આ આંકડો પરથી કહી શકાય.
સાયબર સેલનું કહેવું છે, કે ગત ઓક્ટોબર મહિનામાં ખોટી ઓળખના 2,270 કેસ, કાર્ડના 1,151 કેસ, ઓનલાઇન શોપિંગ 1,130 કેસ તથા અન્ય 1,402 સહિત 11,600 કેસ નોંધાયા હતા. આમ ઓનલાઇન છેતરપિંડીના કિસ્સામાં સોશિયલ મીડિયામાં કોઈ પણ લાલચમાં ન આવવાની અપીલ પણ પોલીસે કરી છે. આમ વિવિધ સાયબર ફ્રોડના માધ્યમથી આરોપીઓએ ગુજરાતીઓના 150 કરોડ રૂૂપિયા ખંખેરી લીધા છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા વખતથી ડીજીટલ એરેસ્ટના નામે છેતરપીંડીના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં રાજકોટના નિવૃત બેન્ક કર્મચારીને 15 દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરી 56 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતાં. ઉપરાંત અમદાવાદના એક નિવૃત વૈજ્ઞાનિકને અને બિલ્ડરને પણ ડીજીટલ એરેસ્ટ કરી લાખો રૂપિયા સાયબર માફિયા પાસે પડાવ્યાના ચોકાવનારા કિસ્સા સામે આવ્યા છે.
ડીજીટલ એરેસ્ટના ગુનામાં ગૃહ વિભાગે 17 હજાર જેટલા બેન્ક એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનાનો ગ્રાફ વધી રહ્યો છે. ગત ઓક્ટોબર મહિના માં જ 11600 કેસ પોલીસ ચોપડે નોંધાયાનું સીઆઈડી ક્રાઈમમાં ચોંકાવનારા આંકડામાં જાણવા મળ્યું છે. એક મહિનામાં 150 કરોડનો ચુનો સાયબર માફિયાઓએ લગાવ્યો છે.
પોલીસની અપીલ છતાં ગુજરાતમાં દરરોજ 370થી વધુ લોકો સાયબર ફ્રોડનો શિકાર
વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં શહેર, રાજ્ય અને દેશ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, પણ સાથે સાથે હાલના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ વધ્યો છે. ખાસ કરીને મનોરંજન માટેની સોશિયલ સાઇટ્સની સાથે સાથે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને નેટ બેન્કિંગનો પણ વપરાશ વધ્યો છે. ત્યારે ઓનલાઈન છેતરપીંડીના કેસ વધ્યા છે.પોલીસ દ્વારા લોકોને સાયબર માફિયાથી સાવધાન રહેવા લોકોને અપીલ કરવામાં આવે છે. આધુનિક યુગમાં યુવાપેઢી સૌથી વધુ સાયબર ક્રાઈમનો શિકાર બને છે તે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લોકોને જુદા જુદા પ્રકારના સાયબર ક્રાઈમ વિશેની સમજ આપીને ચેતવા અપીલ કરે છે છતાં લોકો સાઈબર ક્રાઈમનો શિકાર બને છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા જે આકંડા જાહેર કરવામાં આવ્યા તેના ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે, પોલીને અપીલ છતાં ગુજરાતમાં દરરોજ 370થી વધુ લોકો સાયબર ક્રાઈમનો શિકાર બને છે.