ખેડૂતને અફીણનું વાવેતર કરવું ભારે પડ્યું: 10 વર્ષની જેલ અને એક લાખનો દંડ ફટકારતી કોર્ટ
જસદણના કોઠી ગામે કનેસરાના વૃદ્ધે વાવેતર કરેલ 522 કિ.ગ્રા. અફીણના ડોડવા મળી આવતા ધરપકડ થઇ’તી
જસદણના કોઠી ગામે 522 કિલોગ્રામ અફીણના ડોડવાનું વાવેતર કરનાર કનેસરા ગામના ખેડુતની પોલીસે ધરપકડ કરી હતી. જે કેસ ચાલી જતા કોર્ટે કનેસરાના ખેડૂતને 10 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.1,00,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટ એસ.ઓ.જી. શાખાની ટીમ તા.15/02/2019 ના રોજ જસદણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે કનેસરા ગામના ખેડૂત દેહાભાઈ મનજીભાઈ સાસકીયાએ કોઠી ગામની સીમમાં આવેલ તેઓના ખેતરમાં અફીણનું વાવેતર કર્યું હોવાની બાતમી મળતા એસ.ઓ.જી.ની ટીમે જસદણ તાલુકાના તલાટી મંત્રીને સાથે રાખી પ્રાથમીક ભાગનું પંચનામું કરી દેહાભાઈ મનજીભાઈના ખેતરમાં પંચોની હાજરીમાં રેઈડ કરી હતી. આ રેઈડ દરમ્યાન પરર કિ.ગ્રા. અફીણના ડોડવાઓનું વાવેતર મળી આવ્યું હતું. પોલીસે ખેડૂત દેહાભાઈ સાસકિયાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
જે કેસમાં તપાસ પુર્ણ થતા આરોપી વિરુધ્ધ ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. જે કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ પ્રિન્સીપાલ સેશન્સ જજ વી.બી. ગોહિલે આરોપી દેહાભાઈ મનજીભાઈ સાસકીયાને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.1,00,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.