શિવરાજગઢમાં આખલા પર ક્રૂરતા : શિંગડા બાંધી ઢસેડાયો, અસામાજિક તત્ત્વોએ ઇજા પહોંચાડી
શિવરાજગઢ ગામના મોવિયા રોડ પર આવેલા વાડી વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ એક આખલા સાથે અત્યંત ક્રૂરતા આચરી છે. આખલાના બંને શિંગડાને દોરડા વડે સજ્જડ બાંધી દેવામાં આવ્યા હતા, જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. લાંબા સમય સુધી દોરડા બાંધેલા રહેવાથી આખલાના માથાના ભાગે ઊંડા નિશાન પડી ગયા હતા અને તેમાં સડો પણ બેસી ગયો હતો. આખલો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. ક્રૂર તત્વોએ આખલાને ખેતરે જવાના માર્ગ પર નિર્દયતાપૂર્વક ઢસેડ્યો પણ હતો, જેનાથી તેને વધુ ઇજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ગામના ગૌ સેવકો અને જાગૃત ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે ભારે જહેમત બાદ આખલાને ક્રૂરતાભર્યા બંધનમાંથી મુક્ત કરાવ્યો હતો. તેની ગંભીર હાલત જોતા તેને તાત્કાલિક સારવાર માટે શિવરાજગઢની ગૌ શાળામાં ખસેડવામાં આવ્યો હતો.
ગૌ શાળામાં પશુચિકિત્સક દ્વારા આખલાની સઘન સારવાર શરૂૂ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ અમાનવીય કૃત્ય શિવરાજગઢ ગામના જ કોઈ વ્યક્તિએ આચર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગૌ સેવકો દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરવામાં આવી છે અને ક્રૂરતા આચરનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.