રાજકોટ સહિતના રેલવે સ્ટેશનો પર દિવાળી-છઠ્ઠ પૂજાની ભીડ દેખાઇ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વસતા ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, બગાળ સહિતના રાજ્યના શ્રમિકો તહેવાર કરવા વતન ભણી: રેલવે દ્વારા વ્યવસ્થા અને સુરક્ષા માટે પ્રોટેકશન ફોર્સનો બંદોબસ્ત ગોઠવાયો
રાજકોટ, સૌરાષ્ટ્ર સહીત દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના બિહાર, ઉતરપ્રદેશ, ઝારખંડ, બંગાળ સહીતના રાજયના શ્રમિકો રોજીરોટી માટે વસવાટ કરી રહ્યા છે. દિવાળી-છઠ્ઠપૂજાનું આ રાજયોમાં વિશેષ મહત્વ છે. જેથી દિવાળીની રજાઓ પડવાની શરૂ થતા જ વતન જવા માટે રેલવે સ્ટેશન પર શ્રમિકોની ભીડ ઉમટી પડી છે તેમજ બિહારમાં ચુંટણી પણ નક્કી થઇ ગઇ હોય તેની પણ ભીડ રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે.
રાજકોટ એમએસએમઇનું અને સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વસે છે.
તહેવારો અને ચૂંટણીના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે જોડાવા નીકળતા, રેલવે સ્ટેશન પર જનસાગર ઊમટ્યો છે. મુસાફરોની આ જંગી ભીડને કારણે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ટ્રેનોમાં સીટ મેળવવા માટે મુસાફરો એકબીજા સાથે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા, જેના કારણે બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રેલવે પ્રશાસન માટે આ ભીડને નિયંત્રિત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ગુજરાત રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમોને મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવી છે. સુરક્ષા દળો સ્ટેશનના પ્રવેશદ્વારથી લઈને પ્લેટફોર્મ સુધી વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વધુમાં, ભીડ પર નજર રાખવા માટે CCTV કેમેરા અને ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મુસાફરોની માગને પહોંચી વળવા માટે રેલવે દ્વારા નિયમિત ટ્રેનો ઉપરાંત અન્ય સ્પેશિયલ અને અનરિઝર્વ્ડ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ગત વર્ષોમાં આ સિઝનમાં જોવા મળેલી ભારે ભીડ અને એના કારણે થયેલી અગવડતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ રેલવેએ વધારાની ટ્રેન ટ્રિપ્સની જાહેરાત કરી છે, જોકે મુસાફરોની સંખ્યા એટલી વિશાળ છે કે વિશેષ ટ્રેનો પણ ઓછી પડી રહી છે.
પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ શાંતિ જાળવે અને રેલવે તેમજ સુરક્ષા દળોને સહકાર આપે. આ ભીડ આગામી થોડા દિવસો સુધી રહેવાની શક્યતા છે, જ્યાં સુધી મોટા ભાગના પ્રવાસીઓ તેમના વતન પહોંચી ન જાય.રેલવે મંત્રાલયે આ વખતે મુસાફરોને સુવિધા આપવા માટે વિશેષ આયોજન કર્યું છે. કેટલીક ટ્રેનોને જનરલ ક્લાસ (ીક્ષયિતયદિયમ) રાખવામાં આવશે, જેથી અંતિમ ક્ષણે મુસાફરી કરનારાઓને પણ ટિકિટ મળી રહે, સાથે જ બુકિંગ સિસ્ટમને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તહેવારમાં 12 હજાર ખાસ ટ્રેન દોડાવાશે
ભારતીય રેલવેએ છઠપૂજા અને દિવાળીના તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને દેશભરમાં મુસાફરોને સરળતા રહે એ માટે કુલ 12,000 સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. આ પગલાથી લાખો લોકોને ઘરે જવાની તક મળશે અને ક્ધફર્મ ટિકિટની ચિંતા પણ મોટા પ્રમાણમાં ઘટી જશે. આ સ્પેશિયલ ટ્રેનો 15 નવેમ્બર 2025 સુધી ચલાવવામાં આવશે. આ તહેવારો વચ્ચે ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પૂર્વી રાજ્યો તરફ ભારે ભીડ રહે છે. ખાસ કરીને છઠપૂજા માટે ઉત્તર ભારત તરફ મુસાફરોની સંખ્યા ખૂબ વધી જાય છે. આ ટ્રેનો દોડાવવાના કારણે લોકો સમયસર પોતાના ઘેર પહોંચી શકશે.