સોમનાથ જિલ્લામાં પાકના નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ થવાના આરે
ખેતીવાડી વિભાગ દ્વારા વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા સહિત સમગ્ર જિલ્લાના છ તાલુકાઓને આવરી લઈ ને કૃષિ સંલગ્ન તમામ કર્મચારીઓની 49 ટીમ બનાવી અને દ્વારા અસરગ્રસ્ત ખેતીનો તાત્કાલિક ધોરણે સર્વે થાય એ દિશામાં કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર ના સહયોગથી ખેતીવાડી વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ રોજકામ સાથે સર્વે પૂર્ણ કરવાની કામગીરીને વેગ આપતાં કોડીનારના 61 ગામમાં, સૂત્રાપાડાના 47 ગામમાં અને ઉનાના 78 ગામમાં એમ 100% સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. જ્યારે તાલાલાના 35, વેરાવળના 40 અને ગીરગઢડાના 50 ગામમાં 86 ટકા સર્વે પૂર્ણ થયો છે.
ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી વિમલ પટેલ ના જણાવ્યાનુસાર છેલ્લા અઠવાડિયામાં ગીર સોમનાથ જિલ્લામાં દસ ઈંચ જેટલો કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના પગલે જિલ્લાના 345 ગામોના ખેડૂતોને મગફળી, સોયાબીન અને કપાસ થઈ કુલ 1,46,364 હેક્ટરમાં અસર પહોંચી છે. ખેતીવાડી વિભાગ દ્વારા 49 ટીમના માધ્યમથી કૃષિ સંલગ્ન 100 થી વધુ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયેલા છે.
આ સાથે જ તાલુકા કક્ષાએ ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આમ ખેતીવાડી વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ રોજકામ સાથે સર્વે પૂર્ણ કરવાની કામગીરી આજ સાંજ સુધીમાં પૂરી થશે. એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ ખરીફ ઋતુના 1,53,243 હેક્ટરમાં કુલ વાવેતર કર્યું છે. વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરમાં ગ્રામસેવકો દ્વારા મુલાકાત લઈને ખેડૂતોને થયેલ નુકશાની અંગે પાક ની હાલની પરિસ્થિતિ નું મૂલ્યાંકન કરીને તમામ એકત્રિત માહિતી નો અહેવાલ તાત્કાલિક રાજ્ય સરકાર ને મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે
