કમોસમી માવઠાના પગલે ખંભાળિયા સહિત જિલ્લામાં પાક નુકસાનીનો સરવે કરાયો
- જુદા જુદા વિસ્તારોમાં ટુકડીઓ દ્વારા ખેતરના બદલે ગામ દીઠ સરવે થયો -
સમગ્ર રાજ્ય સાથે ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગત સપ્તાહ દરમિયાન કમોસમી માવઠાના કારણે વ્યાપક નુકસાનીનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં રહેલા વિવિધ પ્રકારના પાકમાં નુકસાની થવા પામી છે. આ નુકસાનીના વળતર માટે સરકાર દ્વારા કરવામાં આવેલા આ દેશને અનુલક્ષીને ખંભાળિયામાં પણ ખેતરદીઠ સરવેના બદલે સામૂહિક પંચરોજકામની કામગીરી કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં વરસી ગયેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં રહેલા ઉભા મોલ તેમજ વિવિધ પ્રકારના પાકને નુકસાની થવા પામી હતી. આ મુદ્દે ખેડૂતોને તાત્કાલિક સંપૂર્ણ સહાય તેમજ લોન માફી સહિતની માંગણી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આ તમામ વિસ્તારોમાં સરવે તેમજ પંચ રોજકામના હુકમો કરવામાં આવ્યા હતા.
આને અનુલક્ષીને ખંભાળિયાના ધરમપુર, શક્તિનગર સહિતના જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડી અધિકારીના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમ દ્વારા જે-તે સ્થળે જઈ અને એક-એક ખેતરનું સર્વે કરવાના બદલે ગામ દીઠ સામૂહિક રીતે પંચરોજકામ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ખેડૂતો સાથે ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી, સ્થાનિક રહીશો અને આગેવાનોની ઉપસ્થિતિમાં જવાબદાર કર્મચારીઓએ આ કામગીરી કરી હતી.
આ વિસ્તારમાં ખેડૂતોના પાક સળી જવા તેમજ મગફળીના પાથરામાં ફૂગ સહિતની પરિસ્થિતિ વચ્ચે ચોમાસુ પાક મહદ અંશે નિષ્ફળ ગયો છે. ત્યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા તાકીદે સહાય મળે જેથી શિયાળુ પાક વ્યવસ્થિત થાય તે માટે ખેડૂતો દ્વારા આયોજન થઈ રહ્યા છે.
