રાજકોટ જિલ્લામાં 4.30 લાખ હેકટરમાં પાકને નુકસાન, સરવેની કામગીરી પૂર્ણ
તમામ તાલુકાઓમાં નુકસાન, સરકારને રિપોર્ટ સુપ્રત કરાયો
રાજકોટ જિલ્લામાં કુદરતી આફતોને કારણે થયેલી ખેતીના પાકની નુકસાની અંગે ચાલી રહેલી સર્વેની કામગીરી મહદ્અંશે પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લાના ખેતીવાડી અધિકારી દ્વારા આ અંગે નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં નુકસાનીની ગંભીરતા અને સર્વેની વિગતો રજૂ કરવામાં આવી છે.
ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર, રાજકોટ જિલ્લામાં કુલ 4 લાખ 30 હજાર હેક્ટર જેટલા વિસ્તારમાં ખેતીના પાકને નુકસાની થઈ હોવાનું સર્વેમાં સામે આવ્યું છે.સૌથી વધુ નુકસાની મગફળી અને કપાસના પાકમાં જોવા મળી છે, જે જિલ્લાના મુખ્ય રોકડિયા પાકો છે. આ નુકસાનીને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર મોટો બોજ પડ્યો છે.
આ સર્વેની કામગીરી માટે ખેતીવાડી વિભાગ દ્વારા 102 કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓ અને 600થી વધુ ગામોમાં સ્થળ પર જઈને નુકસાનીનું મૂલ્યાંકન કર્યું હતું.અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાના તમામ તાલુકાઓમાં નુકસાની જોવા મળી છે, જે દર્શાવે છે કે આફતનો વ્યાપ ઘણો મોટો હતો. રાજકોટ જિલ્લામાં સર્વેની કામગીરી મોટા પ્રમાણમાં પૂર્ણ થયા બાદ તેનો વિગતવાર રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરી દેવામાં આવ્યો છે. હવે આ રિપોર્ટના આધારે ખેડૂતોને સહાય ચૂકવવા અંગેની નીતિ અને જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવશે. ખેડૂતોને આશા છે કે સરકાર ઝડપથી અને પૂરતા પ્રમાણમાં સહાય જાહેર કરીને તેમના થયેલા નુકસાનની ભરપાઈ કરશે.