રાજકોટ જિલ્લામાં 2.35 લાખ હેકટરમાં પાકને નુકસાન
71 ટીમો બનાવી 10 દિવસમાં નુકસાનીનો સરવે કરવા આદેશ કરતા કલેકટર
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકોને થયેલા નુકસાનનો સર્વે કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ, ખેતીવાડી અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી માટે ટીમોની રચના કરવામાં આવી છે.
જિલ્લામાં થયેલા નુકસાન અંગે અધિક કલેકટર એ.કે. ગૌતમે નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન મુજબ, જિલ્લામાં કુલ 5,21,999 હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું હતું. તેમાંથી કમોસમી વરસાદના કારણે 2,35,492 હેક્ટર જમીનના પાકને નુકશાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં કુલ 71 ટીમો દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવશે. આ કામગીરીમાં એક ગ્રામ સેવક દ્વારા 10 જેટલા ગામડાઓમાં ખેતરે જઈને ફિઝિકલ ચકાસણી સાથે સર્વે કરવામાં આવશે. જિલ્લાના ગામડાઓમાં અધિકારીઓ દ્વારા અને ગ્રામ સેવકો દ્વારા ફિઝિકલ ચકાસણી પણ કરવામાં આવશે. સર્વેની કામગીરી આવતીકાલથી શરૂૂ કરવામાં આવશે અને આગામી દસ દિવસ દરમિયાન પૂરી કરવામાં આવશે. જે સર્વે કરવામાં આવશે તેનો ડેટા ઝડપથી અને પારદર્શિતાથી કૃષિ પ્રગતિ એપ પર અપલોડ કરવામાં આવશે.
