રાજકોટમાં બિલ્ડિંગના સ્વિમિંગમાં ડૂબી જતાં 4 વર્ષના માસૂમનું મોત
- ચોકીદારી કરતા નેપાળી પરિવારનો પુત્ર રમતા રમતા સ્વિમિંગ પૂલમાં પડી જતાં સર્જાતી કરૂણાંતિકા
રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર ઘંટેશ્વર નજીક આવેલા વર્ધમાનનગરમાં આવેલી ઓરમ નામની બિલ્ડીંગમાં ચોકીદારી કરતા નેપાળી પરિવારનો ચાર વર્ષનો માસુમ બાળક રમતા રમતા બિલ્ડીંગના સ્વિમિંગ પુલમાં પડી ગયો હતો. માસુમ બાળકનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર ઘંટેશ્વર પાસે આવેલા વર્ધમાનનગરમાં ઓરમ નામની બિલ્ડિંગમાં ચોકીદારી કરતા નેપાળી પરિવારનો અમૃત લોકેશભાઈ વિશ્વકર્મા નામનો ચાર વર્ષનો માસુમ બાળક રમતો હતો ત્યારે રમતા રમતા બિલ્ડીંગના સ્વિમિંગ પૂલમાં પડી ગયો હતો. અમૃત વિશ્વકર્મા સ્વિમિંગ પૂલના પાણીમાં ગરકાવ થઈ જતા આડોશી પાડોસી એકઠા થઈ ગયા હતા અને માસુમ બાળકને બહાર કાઢી બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં માસુમ બાળકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા નેપાળી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી માસુમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં મૃતક અમૃત વિશ્વકર્માનો પરિવાર મૂળ નેપાળનો વતની છે અને માતા-પિતા ઓરમ નામની બિલ્ડીંગમાં ચોકીદારી કરે છે અને બિલ્ડિંગમાં જ રહે છે મૃતક અમૃત વિશ્વકર્મા ત્રણ ભાઈમાં નાનો હતો અને રમતા રમતા સ્વિમિંગ પૂલમાં પડી જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોસ્ટેબલ મનોજભાઈ મકવાણા સહિતના સ્ટાફે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.