લીંબડીમાં રેતી ભરેલી ટ્રકની રોયલ્ટીમાં ગેરરીતિ માલુમ પડતા બે શખ્સો સામે ફોજદારી
લીંબડી હાઇવે ઉપરની એક હોટેલ કમ્પાઉન્ડમાં સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગના સ્ટાફ ટીમે રેતી ભરેલી ટ્રકની રોયલ્ટી ચકાસતા સરકારી રોયલ્ટી સાથે છેડછાડ કરી વજન વધાર્યાનું ખુલતા બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. સાથે ખનીજ ટીમે અલગ અલગ જગ્યાએથી 10 ગેરકાયદેસર ખનીજ ભરેલા ડમ્પર ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લામાં અગાઉ બોગસ રોયલ્ટી પાસનું કૌભાંડ પણ ઝડપાયુ હતુ. ત્યારે ખનીજ માફીયાઓની એક નવી મોડસ ઓપરેન્ડીનો પણ ભાંડો ફૂટયો છે. સુરેન્દ્રનગર ખનીજ અધિકારી જીગ્નેશ વાઢેર, રોયલ્ટી ઇન્સ્પેકટર હિરેન પી. સંડેરા સહિતના સ્ટાફની ટીમે ચેકીંગ હાથ ધર્યું હતું. એ દરમ્યાન લીંબડીના સમલા હાઇવે પાસે ભગવતી હોટેલના કમ્પાઉન્ડમાં રેતી ભરેલી ટ્રક જોતા રોયલ્ટી માંગી હતી. રોયલ્ટી 33 મે. ટનની જોતા ટીમને શંકા જતા સરકારી સોફટવેરમાં ચેક કરતા આ રોયલ્ટી 13 મે. ટનની જ ઓનલાઇન કઢાઇ હતી. અને સરકારી રોયલ્ટી સાથે છેડછાડ કરી વજન વધારી દેવાયુ હતુ.
અને ટ્રકનું વજનકાંટાએ જઇ વજન કરતા 56 મેટ્રીક ટન મળી આવ્યુ હતુ. આ ગેરરીતિ ઝડપી લેતા રોયલ્ટી ઇન્સ્પેકટર દ્વારા લીંબડી પોલીસ સ્ટેશનમાં અમરકૃપા એન્ટરપ્રાઇઝના રાજેશભાઇ કાળુભાઇ ખાચર રહે.સાંકળી અને રોહીતભાઇ કાનજીભાઇ સાકરીયા રહે. નાના કેરાળા વાળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી.