જમજીર ધોધ પર રિલ્સ બનાવનાર મોડલ પૂજા પ્રજાપતિ સહિત અન્ય બે સામે ગુનો નોંધાયો
ગીર સોમનાથના સુપ્રસિદ્ધ જમજીર ધોધ પર પ્રતિબંધ હોવા છતાં રીલ્સ બનાવીને વાયરલ કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પૂજા પ્રજાપતિ અને તેની બે મિત્રો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમની સામે જાહેરનામા ભંગ બદલ બી.એન.એસ. 223 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગાંધીનગર કલોલની રહેવાસી પૂજા પ્રજાપતિ ઈન્સ્ટાગ્રામ પર 9 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. આટલી મોટી સંખ્યામાં ફોલોઅર્સ હોવા છતાં, તેમણે કાયદાનું પાલન કરવાનું યોગ્ય માન્યું નહોતું. તેમણે તેમની બે મિત્રો સાથે ગીર સોમનાથ ના ઘાંટવડ ખાતે આવેલ જમજીર ધોધના જોખમી કિનારે કહી દો વરસાદને ધીમે ધીમે વરસે... ગીત પર રીલ્સ બનાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્રના ધ્યાનમાં આવ્યો હતો.
ભૂતકાળમાં આ ધોધ પર અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા હોવાથી, અહીં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ મામલો ધ્યાને આવતા, ગીર સોમનાથના નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલએ તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ઉના ડિવિઝનના ઉઢજઙ મહાદેવ ચૌધરીએ કોડીનાર પી.આઈ.ને આ અંગે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.કોડીનાર પોલીસે વીડિયોનું વેરિફિકેશન કરી પૂજા કાંતિભાઈ પ્રજાપતિ (રહે. કલોલ, જી. ગાંધીનગર) અને અન્ય બે યુવતી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી કે કોઈ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સામે જમજીર ધોધ પર રીલ્સ બનાવવા બદલ કાર્યવાહી થઈ હોય. આશરે 11 મહિના પહેલા એક્ટ્રેસ ઝીલ જોષી સામે પણ અહીં જોખમી રીતે વીડિયો શૂટ કરવા બદલ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછામાં કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે ગુનો નોંધાતા આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. આ કિસ્સો અન્ય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ માટે એક ચેતવણીરૂૂપ છે કે કાયદાનું પાલન કરવું એ સૌથી વધુ જરૂૂરી છે, ભલે ગમે તેટલા ફોલોઅર્સ હોય.