ટીવી સ્વામી સહિત પાંચ સામે આપઘાતને કુદરતી મોતમાં ખપાવવાનો ગુનો
ગુણાતિત સ્વામીએ સોખડા આશ્રમમાં બે વર્ષ પહેલાં કરેલી આત્મહત્યાના કેસમાં હાઈકોર્ટના હુકમ બાદ ગુનો દાખલ કરતી પોલીસ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભારે ખળભળાટ
સ્વામિનારાયણ સંપ્રદાયના વડોદરા નજીક આવેલા હરિપ્રસાદ સ્વામીના સોખડા ધામમાં બે વર્ષ પહેલા પ્રબોધસ્વામિ જૂથના મનાતા ગુણાતિત ચરણ સ્વામીએ કરેલા આપઘાતની ઘટનામાં બે વર્ષ બાદ હાઈકોર્ટના હુકમથી ત્યાગ વલ્લભ સ્વામિ, સાધુ હરિપ્રકાશદાસ, સાધુ પ્રભુપ્રિયદાસ, સાધુ જ્ઞાનસ્વરૂપદાસ અને સેવક કિશોર નારણ ત્રાંગડિયા સહિત પાંચ લોકો સામે આપઘાતની ઘટનાને કુદરતી મોતમાં ખપાવવાનો ગુનો વડોદરા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. અને સોખડા મંદિરની ગાદી માટે પ્રેમસ્વરૂપસ્વામી તથા પ્રબોધસ્વામી જૂથ વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહમાં નવો જ વણાંક આવ્યો છે.
વડોદરા પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ હરીધામ સોખડા મંદિરમાં ગત તા.27 એપ્રિલ 2022ના રોજ 69 વર્ષની ઉંમરના ગુણાતીત સ્વામીની રૂમ નં. 21માંથી પોતાના જ ખેસ સાથે લટકતી લાશ મળી આવી હતી. આ ઘટનામાં આત્મહત્યાની ઘટના હોવા છતાં ગુણાતિત સ્વામીના મોતને કુદરતી મોતમાં ખપાવવા બદલ હાઈકોર્ટના જૂલાઈ મહિનાના ચૂકાદા બાદ વડોદરાના મંજુસર પોલીસ સ્ટેશનમાં ત્યાગવલ્લભસ્વામી સહિત પાંચ વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ હરીધામ સોખડા મંદિરમાં ગુણાતિત ચરણ સ્વામીએ એપ્રિલ 2022માં આત્મહત્યા કરી લીધી હતી. તે સમયે મૃતક સ્વામીના ભત્રીજા હરસુખ ત્રાગડિયાએ ઉગ્ર આક્રોસ વ્યક્ત કર્યો હતો અને આ સમગ્ર ઘટના અંગે શંકાઓ વ્યક્ત કરી હતી તેમજ મૃતક ગુણાતિત ચરણ સ્વામીના ગળામાં અન્ય ઈજાના નિશાનો પણ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટનામાં પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જો કે સાથો સાથ પોલીસની તપાસથી નારાજ થઈ અમુક હરિભક્તોએ હાઈકોર્ટમાં પણ રીટ કરી હતી. જેના પગલે હાઈકોર્ટના હુકમ બાદ ટીવી સ્વામી સહિત ચાર વ્યક્તિ સામે આત્મહત્યાની ઘટનાને કુદરતી મોતમાં ખપાવવાનો ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના હરિપ્રસાદ સ્વામીના દેહાવસાન બાદ સોખડા તેમજ રાજકોટ સહિતની અબજો રૂપિયાની મિલ્કતો માટે ટીવી સ્વામી અને પ્રબોધસ્વામી જૂથ વચ્ચે વિવાદ સર્જાયો હતો અને આ મામલે કોર્ટ-કચેરીમાં પણ કેસ ચાલી રહ્યા છે. આ વિવાદ વચ્ચે ગત તા. 22 એપ્રિલ 2022ના રોજ 69 વર્ષની ઉંમરના ગુણાતિત ચરણ સ્વામીએ રૂમ નં. 21માં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનું જાહેર કરાયું હતું. આ ઘટનાબની ત્યારે સંસ્થામાં ગુણાતિત સ્વામીનો મૃતદેહ સંતોએ જ ઉતારી લઈ છૂપાવી દીધો હતો અને બપોર સુધી પોલીસને પણ જાણ કરી ન હતીં. આ ઘટનામાં મૃતક ગુણાતિત ચરણદાસ સ્વામીના રૂમ પાર્ટનર કિશોરભાઈ નારણભાઈ ત્રાગડિયાએ જ આ ઘટના આત્મહત્યાની હોવાનું જાહેર કરી દીધું હતું.
જો કે, મૃતક સ્વામીના ભત્રીજા હરસુખ ત્રાગડિયાએ આ ઘટના સંદર્ભે હાઈકોર્ટમાં રીટ કરી હતી અને ન્યાયની માંગણી કરી હતી. બે વર્ષના કાનુની જંગ બાદ ગઈકાલે હાઈકોર્ટે ટીવી સ્વામી સહિત ચાર જવાબદારો સામે આપઘાતની ઘટનાને કુદરતી મોતમાં ખપાવવાનો ગુનો દાખલ કરવાનો હુકમ કરતા વડોદરા તાલુકાપોલીસે આ હુકમના આધારે પાંચેય સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાથી સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાયમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.