ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, એક વર્ષ પહેલાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી
પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદના બરોબર એક વર્ષ બાદ ઘરમાં જ જીવ ટૂંકાવી લેતા ભારે ચકચાર
એકસ્પોર્ટનો ધિકતો ધંધો કરતા જીત પાબારી દુષ્કર્મની ફરિયાદ બાદ ડિપ્રેશનમાં હતા
ભારતીય ટીમના ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ આજે સવારે કાલાવડ રોડ પર આવેલ નુતનગર સોસાયટીમા પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. ગત 26 નવેમ્બર 2024ના રોજ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં જીત પાબારીની પૂર્વ મંગેતર 29 વર્ષીય યુવતી દ્વારા જીત વિરુધ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેના એક વર્ષ બાદ એટલે કે 26 નવેમ્બર, 2025ના રોજ આજે આપઘાત કરી લીધો હતો.
જાણવા મળ્યા મુજબ આજે સવારે જીત પાબારીએ તેના ઘરમાં ગળાફાંસો ખાઇ લેતા પરિવારજનોને જાણ થતા તાબડતોબ વોકહાર્ટ હોસ્પિટલમા ખસેડયા હતા. પરંતુ પ્રાથમીક સારવાર બાદ જ તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ ફાટી પડયુ હતુ. એક્ષ્પોર્ટનો ધીગતો ધંધો કરતા અને સુખી સંપન્ન પરિવારનાં જીત પાબારીના આપઘાત પાછળનું કોઇ સ્પષ્ટ કારણ બહાર આવ્યુ નથી. પરંતુ તેની સામે એક વર્ષ પહેલા થયેલી દુષ્કર્મની ફરીયાદ બાદ તેઓ સતત ડીપ્રેશનમા રહેતા હોવાનું જાણવા મળ્યુ છે.
આ અગાઉ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા મૃતક જીતની પૂર્વ મંગેતરે તેની સામે ગત તા 26 નવેમ્બર 2024ના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. લગ્નની લાલચ આપી જીત પાબારી દ્વારા બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યાના આક્ષેપ કર્યા હતા. 26 નવેમ્બર, 2024ના રોજ નોંધાયેલી દુષ્કર્મની પોલીસ ફરિયાદ મુજબ, ભોગ બનનાર 29 વર્ષીય યુવતી સાથે વર્ષ 2014માં ફેસબુક મારફતે જીત પાબારી સાથે પરિચયમાં આવી હતી જીતની ફેસબુકમાં ફ્રેન્ડ રીકવેસ્ટ આવેલી ત્યારથી બંને સંપર્કમાં આવ્યા હતા. જીત પાબારીએ યુવતીને જણાવેલ કે, મને તું પસંદ છો અને મારે તારી સાથે લગ્ન કરવા છે. મારા મમ્મી, પપ્પા અને કુટુંબીજનો સાથે વાત કરી લ્યો.
આથી જીતના માતા-પિતા મારા માતા પિતાને મળેલ અને અમોના લગ્ન અંગેની વાતચીત કરેલ અને બંને પરિવારજનો લગ્ન બાબતે સહમત થયા હતા. ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારીએ સૌપ્રથમવાર સિઝન્સ હોટલમાં સગાઈ વખતે બળજબરી કરવાની કોશિશ કરી હતી, પરંતુ ત્યારે મહેમાનો અને ઘણા લોકો હોવાથી તેણે પ્રતિકાર કર્યો હતો. બાદમાં જીતના પરિવાર સાથે કૌટુંબિક પ્રસગે માટે દુબઈ ગઈ હતી. ત્યાર બાદ દિવાળીના સમયમાં જીતના ઘરે ગઈ ત્યારે રૂૂમમાં બોલાવી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે પણ મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધ્યો હતો. અને મોબાઈલ ફોનમાં ઉતારેલો વીડિયો અને ફોટોગ્રાફસ બતાવી કહ્યું હતું કે હવે તું આ વાત કોઈને કહેતી નહીં, નહીંતર આ વીડિયો અને ફોટોગ્રાફસ વાઈરલ કરી દઈશ. સગાઈ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ ત્યારબાદ સગાઈ તોડી નાખવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ ધરપકડની બચવા જીત પાબારીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જોકે સેશન્સ અદાલતે જીત પાબારીના આગોતરા જામીન ના મંજુર કર્યા હતા.
દુષ્કર્મની નોંધાયેલી ફરિયાદ બાદ જીત છેલ્લા ઘણા દિવસથી ડિપ્રેશનમાં રહેતો હતો. અંતે તેણે આજે પોલીસ ફરિયાદ નોંધાયાના એક વર્ષ બાદ આપઘાત કરી લીધો હતો. જીત પરિવારનો એકનો એક પુત્ર હતો અને બે બહેનમાં નાનો હતો. ક્રિકેટર ચેતેશ્વરની પત્નીએ એકનો એક ભાઈ ગુમાવ્યો હોય પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. જીતના પિતા રાસિકભાઈ પાબારીનો પરિવાર મૂળ જામજોધપુરના વતની છે. પરંતુ વીસેક વર્ષથી રાજકોટમાં જ રહે છે. જીતના પિતાને કોટનની જિનિંગ ફેક્ટરી છે. અને જીત પોતે એક્ષ્પોર્ટ ઇમ્પોર્ટનું કામ કરતો હતો તેની મોટી બહેન પૂજાના લગ્ન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ચેતેશ્વર પુજારા સાથે થયા છે. જીતની મોટી બહેન પૂજાનો જન્મ ગોંડલમાં થયો છે. દસમા ધોરણ સુધી આબુની સોફિયા સ્કૂલથી ભણી 11-12 અમદાવાદથી કર્યું છે અને માસ્ટર ડિગ્રી બોમ્બેથી મેળવી છે. એ પછી એક વર્ષ સુધી મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરી અને પછી ચેતેશ્વર મળી ગયો અને તેની સાથે લગ્ન કરી લીધાં હતા. જીત પરિવારનો સૌથી નાનો પુત્ર હતો.