ખનીજ માફિયાઓ દ્વારા બ્લાસ્ટથી તરણેતર મંદિરમાં તિરાડો
- મેળાનું મેદાન ખોદી નાખ્યું, તળાવની પાળને પણ નુકસાન, મુખ્યમંત્રી સુધી ફરિયાદ
સુરેન્દ્રનગરમાં ખનન માફીયાઓ બેફામ બન્યા છે. ફરી ખનન માફીયાઓ દ્વારા ખોદકામ દરમ્યાન બ્લાસ્ટ કરતા શિવ મંદિર અને ધર્મશાળા સહિતને નુકશાન થયું હતું. આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.સુરેન્દ્રનગરમાં ખનન માફીયાઓ ફરી બેફામ બન્યા છે. ત્યારે ખનન માફીયાઓએ વિખ્યાત તરણેતર મંદિરની બાજુમાં ખોદકામ શરૂૂ કર્યું છે. બ્લાસ્ટ અને ખોદકામથી શિવમંદિર અને ધર્મશાળા સહિતને નુકશાન થયું છે. બ્લાસ્ટનાં કારણે ઠેર ઠેર તીરાડો પડી છે. તરણેતરના મેળામાં જે વિવિધ હરીફાઈ થાય છે તે મેદાનમાં અને મંદિરની બાજુમાં આવેલા તળાવમાં પણ ખોદકામ શરૂૂ કરાતા તળાવની પાળને પણ નુકશાન થયું હતું.
આ સમગ્ર બાબતે ખનન માફીયાઓ બેચરભાઈ, અમરાભાઈ, દેવાભાઈ દ્વારા ખોદકામ શરૂૂ કરાયાની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ખનન રોકવામાં નહી આવે તો બ્લાસ્ટથી મંદિરને વધુ નુકશાન થશે.આ બાબતે જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, તરણેતર ગામે જ્યાં લોકભાતીગળ મેળાનુ આાયોજન થાય છે. તે મેળામાં જે રમત-ગમત ઘોડારેસ તેમજ પશુ મેળાનું આયોજન કરવામાં આવે છે. તે મેદાનમાં તેમજ ત્યાં આવેલા તળાવમાં માથાભારે ઈસમો દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ચાલી રહી છે. જેના લીધે ખનન માટે જે બ્લાસ્ટીંગ કરવામાં આવે છે. તેનાથી જે પૌરાણિક શિવ મંદિર તથા તેની બાજુમાં જે મંદિર તેમજ ધર્મશાળાઓ આવેલી છે. તેમજ તળાવમાં ખનન બ્લાસ્ટિંગ થવાથી તળાવની પાળને પણ નુકશાન થયેલ છે. આ ભુમાફીયાઓથી ડરીને પંચાયત તંત્ર પણ આંખ આડા કાન કરી લીધા હોય તેવું લાગે છે. એવી આશા રાખું છું કે, જે આ ભુમાફીયાઓ દ્વારા ગામ તેમજ રાષ્ટ્રની સંપત્તિને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તેને જલ્દી બંધ કરાવી તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ફરીયાદમાં ખનીજ માફીયાઓ બેચર બલિયા, અમરા બલિયા તથા દેવા ખમાણીના નામ પણ આપવામાં આવ્યા છે.