સુરેન્દ્રનગરથી પસાર થતી નર્મદા કેનાલમાં તીરાડ પડી, ગાબડું પડવાની ભીતિ
ગુજરાત મિરર, સુરેન્દ્રનગર,તા.3સુરેન્દ્રનગરમાંથી પસાર થતી ઢાંકી-વલ્લભીપુર નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે ટોકરાળા ગામ સહિત આસપાસના ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. ટોકરાળા ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલની દીવાલનો એક ભાગ નબળો પડી ગયો છે અને તે ગમે ત્યારે તૂટી પડવાની તૈયારીમાં છે. કેનાલની દીવાલમાં તિરાડો પડી છે અને તેનું માળખું જર્જરિત થઈ ગયું છે.જો આ કેનાલમાં ગાબડું પડશે તો લાખો લીટર નર્મદાનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળશે.
આના પરિણામે ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે અને ખેતરો બેટમાં ફેરવાઈ જવાનો ભય છે. આ ઉપરાંત કેનાલની આસપાસની જમીન પર રહેતા લોકો માટે પણ આ એક મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ આ બાબતે નર્મદા વિભાગનું ધ્યાન દોર્યું છે અને તાત્કાલિક ધોરણે કેનાલનું સમારકામ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરી છે.ગ્રામજનોનું કહેવું છે કે કોઈ મોટી હોનારત સર્જાય અને ખેડૂતોને આર્થિક નુકસાન થાય તે પહેલાં નર્મદા વિભાગે ત્વરિત પગલાં લેવા અનિવાર્ય છે.
ભૂતકાળમાં પણ કેનાલમાં ગાબડાં પડવાના અનેક બનાવો બન્યા છે. જેના કારણે ખેડૂતોને કરોડો રૂૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. ખેડૂતો અને ગ્રામજનોની માંગ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ સ્થળ પર મુલાકાત લઈ કેનાલની જર્જરિત દીવાલનું તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમારકામ કરીને ખેડૂતોની ચિંતા દૂર કરે. જો વહેલી તકે સમારકામ નહીં થાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
